Paras Dogra Headbutt Incident: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રમતની સાથે સાથે મેદાન પર ભારે ગરમાગમી જોવા મળી રહી છે. હુબલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચના બીજા દિવસે જમ્મુ-કાશ્મીરે 6 વિકેટે 527 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે, પરંતુ આખી મેચમાં જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાનું વર્તન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
મેદાન પર હિંસક ટક્કર: કેપ્ટન પારસ ડોગરાએ ફીલ્ડરને માર્યો 'હેડબટ'
મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની જ્યારે જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરા બેટિંગ કરી રહ્યો હતો. 101મી ઓવર દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાની બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ ડોગરા અચાનક ફોરવર્ડ શોર્ટ લેગ પર ઉભા રહેલા કર્ણાટકના સબસ્ટિટ્યૂટ ફીલ્ડર કે.વી. અનીશ પાસે ગયો હતો. ગુસ્સામાં આવીને ડોગરાએ હેલ્મેટ પહેરેલી હાલતમાં જ અનીશના માથા પર પોતાના હેડબટ મારી હતી.
સતત થતી ટીકાઓથી કેપ્ટન ડોગરાએ ગુમાવ્યો સંયમ
એવું માનવામાં આવે છે કે કર્ણાટકના ફીલ્ડર અનીશ દ્વારા કરવામાં આવી રહેલા સતત સ્લેજિંગ(મેદાન પર ખેલાડીની એકાગ્રતા તોડવા માટે જે માનસિક દબાણ કરવામાં આવે તે)ને કારણે પારસ ડોગરાએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું. સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ મયંક અગ્રવાલ અને અમ્પાયરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, પોતાની ભૂલનો અહેસાસ થતા ડોગરાએ બાદમાં અનીશની માફી માંગી હતી, પરંતુ કર્ણાટકના આ ખેલાડીએ માફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ વિવાદ બાદ મેદાન પર હાજર કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે પણ ડોગરા સામે વળતું સ્લેજિંગ શરૂ કરી દીધું હતું.
મેદાન પર અન્ય ખેલાડીઓ વચ્ચે પણ તણાવ
માત્ર કેપ્ટન જ નહીં, પણ વધાવન અને બોલર વૈશાક વિજયકુમાર વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. રન દોડતી વખતે વધાવનની કોણી વૈશાકને વાગી ગઈ હતી, જેના કારણે બંને ખેલાડીઓ સામસામે આવી ગયા હતા. અમ્પાયરોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
જમ્મુ-કાશ્મીરનો મજબૂત સ્કોર
મેદાન પર સર્જાયેલા વિવાદો અને ગરમાગરમી વચ્ચે પણ જમ્મુ-કાશ્મીરના બેટર્સ અડગ રહ્યા હતા અને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી રન બનાવામાં અનેક ખેલાડીઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જેમાં શુભમ પુંડીરે શાનદાર 121 રન ફટકાર્યા હતા, જ્યારે યાવર હસને 88 રન અને કેપ્ટન પારસ ડોગરાએ 70 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત કન્હૈયા વધાવને 70 રન અને આક્રમક બેટર અબ્દુલ સમદે 61 રન બનાવ્યા હતા.
બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે સાહિલ લોત્રા 57 રન અને આબિદ મુશ્તાક 20 રને અણનમ રહ્યા છે. જોકે, દિવસના અંતિમ કલાકોમાં ખરાબ રોશનીને કારણે રમત વહેલી રોકવાની ફરજ પડી હતી, પરંતુ હાલમાં જમ્મુ-કાશ્મીરની ટીમ મેચમાં અત્યંત મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.


