Get The App

ભારત-પાક મેચ પર વરસાદનું સંકટ: પાકિસ્તાનને થશે ફાયદો, 3 ટીમ થઈ જશે ટુર્નામેન્ટની બહાર

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-પાક મેચ પર વરસાદનું સંકટ: પાકિસ્તાનને થશે ફાયદો, 3 ટીમ થઈ જશે ટુર્નામેન્ટની બહાર 1 - image


T20 World Cup and Ind vs Pak match : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે (15 ફેબ્રુઆરી) કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. જોકે, આ મહામુકાબલા પર હવે વરસાદી વિઘ્નનું જોખમ મંડરાઈ રહ્યું છે. શ્રીલંકન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે રવિવારે બપોર પછી ગાજવીજ સાથે 50 થી 70 ટકા વરસાદની સંભાવના છે. જો મેચના સમયે ભારે વરસાદ પડે તો ટૉસમાં વિલંબ થઈ શકે છે અથવા ઓવરોમાં કાપ મૂકવો પડી શકે છે.

જો મેચ ધોવાઈ જાય તો શું થશે?

ક્રિકેટ પ્રેમીઓ માટે ચિંતાની વાત એ છે કે સુપર-8 રાઉન્ડ માટે કોઈ 'રિઝર્વ ડે' રાખવામાં આવ્યો નથી. જો વરસાદને કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ થાય, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન બંનેના ત્રણ-ત્રણ મેચમાં 5-5 પોઈન્ટ થઈ જશે. આ પોઈન્ટ્સ સાથે બંને ટીમો ગ્રુપ-એમાંથી સીધી સુપર-8માં ક્વોલિફાય થઈ જશે. પાકિસ્તાન માટે આ સ્થિતિ ફાયદાકારક સાબિત થશે કારણ કે તેમને જીત્યા વગર જ આગળ વધવાની તક મળશે.

3 ટીમો ટુર્નામેન્ટમાંથી થશે આઉટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ધોવાતા જ સંયુક્ત રાજ્ય અમેરિકા (USA), નામિબિયા અને નેધરલેન્ડ માટે ટુર્નામેન્ટના દરવાજા બંધ થઈ જશે. હાલમાં USA અને નેધરલેન્ડ પાસે 3 મેચમાં 2-2 પોઈન્ટ છે. જો તેઓ તેમની બાકીની એક-એક મેચ જીતે તો પણ તેમના મહત્તમ 4 પોઈન્ટ જ થશે, જે ભારત-પાકિસ્તાનના 5 પોઈન્ટ કરતા ઓછા હશે. બીજી તરફ, નામિબિયા તેની બંને મેચ હારી ચૂક્યું હોવાથી તે રેસમાંથી પહેલેથી જ બહાર જેવું છે.

ક્વોલિફિકેશનનું ગણિત

જો મેચ રમાય અને કોઈ એક ટીમ જીતે, તો વિજેતા ટીમ 6 પોઈન્ટ સાથે સુપર-8માં પહોંચશે, જ્યારે હારનારી ટીમ 4 પોઈન્ટ પર અટકી જશે. આ સ્થિતિમાં USA અને નેધરલેન્ડ માટે ક્વોલિફાય થવાની તક છેલ્લી મેચ સુધી અકબંધ રહેશે. પરંતુ જો આકાશમાંથી આફત વરસી અને મેચ રદ થઈ, તો પાકિસ્તાનને ભાગ્યનો સાથ મળશે અને નાની ટીમોનું સપનું ચકનાચૂર થઈ જશે.