ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
Punjab Kings Vs Delhi Capitals Match Cancelled : ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે ગુરુવાર(8 મે, 2025)ના રોજ ચાલી રહેલી IPL 2025ની 58મી મેચને અધવચ્ચે રોકી દેવામાં આવી છે. આ સાથે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ ઍસોસિએશન (HPCA) સ્ટેડિયમને ખાલી કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ખેલાડીઓને ધર્મશાલાથી દિલ્હી લઈ જવા માટે એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને પ્રાથમિકતાને આધારે લાવવા માટે વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ ઍસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલની મેચ અધવચ્ચે રદ કરવામાં આવી છે. મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જેમાં પંજાબ કિંગ્સમાંથી પ્રિયાંસ આર્યા અને પ્રભસિમરન સિંહ ઓપનિંગ કરી હતી. જેમાં આર્યાએ 34 બોલમાં 70 રન અને પ્રભસિમરન સિંહે 28 બોલમાં 50 રન કર્યા હતા.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, 'તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, અમે આ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. હાલ પરિસ્થિતિ સારી નથી, તેથી અમે 8 મેની મેચ રદ કરી છે. પડોશી દેશ પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખેલાડીઓ, દર્શકો અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે રાષ્ટ્રના હિતમાં જે કંઈ હશે તે કરીશું. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તે મુજબ નિર્ણય લઈશું.'