પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે દોડાવી વંદે ભારત ટ્રેન
PBKS vs DC Players Reached New Delhi: પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના લોકો હિમાચલ પ્રદેશથી નવી દિલ્હી આવી ગયા છે. આઇપીએલ સાથે જોડાયેલા આ તમામ લોકોને સ્પેશિયલ ટ્રેન દોડાવીને દિલ્હી લાવવામાં આવ્યા છે. બીસીસીઆઇએ સરકાર પાસે સ્પેશિયલ ટ્રેનની માંગ કરી હતી. ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી અને હવે 9 મેની રાત્રે તમામ ખેલાડી દિલ્હી રેલવે સ્ટેશનથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.
ભારતીય રેલવેનું નિવેદન
ઉત્તર રેલવેના CRPO હિમાશું શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શુક્રવારે 9મેની સવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સમગ્ર પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. દેશમાં ઘણા સ્થળો પર એરપોર્ટ બંધ છે, એટલા માટે તે તમામ સ્થળો પર ફસાયેલા લોકો માટે ભારતીય રેલવે તરફથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની સૂચના મળી હતી. જમ્મૂ, ઉધમપુર અને કટરાથી દિલ્હી માટે પાંચ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તેમાંથી એક ટ્રેન વડે આઇપીએલના ખેલાડીઓ દિલ્હી પરત ફર્યા છે.
બીસીસીઆઇએ શેર કર્યો વીડિયો
બીસીસીઆઇએ ભારત સરકારને સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે આભાર વ્યક્ત કર્યો છે. આઇપીએલના 'X' એકાઉન્ટ પરથી વંદે ભારત ટ્રેનની મુસાફરી માણી રહેલા ખેલાડીઓનો વીડિયો શેર કર્યો છે.
પંજાબ અને દિલ્હીની મેચ થઇ હતી રદ
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે (8 મે) ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે મોડી શરુ થઈ હતી. ટોસ રાત્રે 8:30 વાગ્યે થયો. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં ફક્ત 10.1 ઓવર જ રમાઈ હતી. આ પછી, ફ્લડ લાઇટ્સમાં સમસ્યાને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હોવાના અહેવાલો મળ્યા હતા. ત્યારબાદ જમ્મુ અને પઠાણકોટના પડોશી શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણીને કારણે મેચ અધ વચ્ચે જ રદ કરવામાં આવી હતી.
અઠવાડિયા માટે કોઈ મેચ નહીં રમાય
ઉલ્લેખનીય છે કે પહેલા અનિશ્ચિતકાળ માટે આઈપીએલ સ્થગિત કરવાનો મોટો નિર્ણય 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દ્વારા જ લેવામાં આવ્યો હતો. તેમાં કહેવાયું હતું હતું કે આજથી કોઈ મેચ નહીં હોય. જોકે પછીથી આ મામલે ખુલાસો કરતા BCCIએ લેટેસ્ટ અપડેટ આપી હતી. BCCIની હાલમાં પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. બીસીસીઆઇ ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.