PSL 2026: પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં બુધવારે 8 એપ્રિલ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પેશાવર જાલ્મીનો સામનો હૈદરાબાદ કિંગ્સમેન સામે થયો હતો. આ મુકાબલામાં બાબર આઝમની આગેવાનીમાં પેશાવર જાલ્મીએ 146 રનનો લક્ષ્યાંક છ વિકેટ ગુમાવીને છેલ્લી બોલે હાંસલ કર્યો હતો. મેચ બાદ કોહલી સાથે બાબર આઝમની સરખામણી કરવામાં આવતા તે નારાજ થઈ ગયો હતો.
'આ અહીં જ ખતમ કરો': બાબર
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે બાબર આઝમને પૂછ્યું કે તેમની સરખામણી અવારનવાર વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે, પરંતુ કોહલી મેચ ફિનિશ કરવામાં વધુ સફળ માનવામાં આવે છે. આ સવાલ સાંભળતા જ બાબર ખૂબ જ નારાજ થઈ ગયો. બાબરે જવાબ આપતા કહ્યું, 'આ અહીં જ ખતમ કરો, આવી વાતો તમારી પાસે રાખો. સરખામણી બંધ કરો. આ તમારી ગેરસમજ છે કે મેં મેચ ફિનિશ નથી કરી.' બાબરનો આ જવાબ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ ગયો અને ચાહકો વચ્ચે ચર્ચા છેડાઈ ગઈ.
બાબર આઝમ આઉટ થતાં રોમાંચક મોડ પર હતી મેચ
આ મુકાબલામાં બાબર આઝમે પેશાવર જાલ્મીને મજબૂત શરૂઆત અપાવી હતી. બાબરે 37 બોલમાં 43 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. બાબરે આ દરમિયાન કુસલ મેન્ડિસ સાથે મળીને બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. જો કે 15મી ઓવરના છેલ્લા બોલ પર બાબર આઝમ આઉટ થયા બાદ મેચ રોમાંચક મોડ પર પહોંચી ગઈ હતી. અંતમાં ઈફ્તિખાર અહેમદની (અણનમ 15 રન) શાનદાર બેટિંગે ટીમને જીત અપાવી હતી.
PSL 2026માં બાબરનું પ્રદર્શન
પાકિસ્તાન સુપર લીગની ચાલુ સિઝનમાં બાબર આઝમે અત્યાર સુધી 2 મેચમાં 41.00ની સરેરાશ અને 126.15ના સ્ટ્રાઈક રેટથી 82 રન બનાવ્યા છે. આ જીત સાથે પેશાવર જાલ્મી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. હવે પેશાવર જાલ્મીનો આગામી મુકાબલો કરાચી કિંગ્સ સામે થવાનો છે.
બાબરને કોહલી પ્રત્યે સન્માન
બાબર આઝમ અને વિરાટ કોહલીની સરખામણી લાંબા સમયથી થતી રહી છે. બંને બેટ્સમેનો તેમની ક્લાસિક બેટિંગ, સાતત્ય અને મોટા રેકોર્ડ્સ માટે જાણીતા છે. 2021માં બાબરે ODI રેન્કિંગમાં કોહલીને પાછળ છોડી દીધો હતો. ત્યારબાદ 2023માં સૌથી ઝડપી 5000 ODI રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જો કે બાબર ઘણી વખત કોહલી પ્રત્યે સન્માન વ્યક્ત કરી ચૂક્યો છે અને તેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક માને છે.
આ પણ વાંચો: ભારે ગરમી અને અકળામણ માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી આકરી આગાહી
પેશાવર જાલ્મીની જીત છતાં બાબર આઝમનો આ ગુસ્સો દર્શાવે છે કે સતત સરખામણીનું દબાણ ખેલાડીઓ પર કેટલી અસર કરે છે. PSL 2026માં આ મામલો હવે ચર્ચાનો વિષય બની ગયો છે અને ચાહકો વચ્ચે ચર્ચા ચાલુ છે કે શું દરેક ખેલાડીની સરખામણી કરવી યોગ્ય છે.


