'હવે ક્યારેય પાકિસ્તાન નહીં જઈએ', રડી પડ્યા હતા PSL રમવા ગયેલા વિદેશી ખેલાડીઓ, સ્પિનરે કર્યો ખુલાસો
PSL 2025: ભારત સાથે વધતા તણાવ વચ્ચે અઠમી મેના રોજ પાકિસ્તાનમાં રમાઈ રહેલી પાકિસ્તાન સુપર લીગ (PSL) પીએસએલને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ દરમિયાન દરેક લોકો પાકિસ્તાનમાં હાજર વિદેશી ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતિત હતા. તે ખેલાડીઓના મનમાં શું ચાલી રહ્યું હતું અને તે દરમિયાન શું બન્યું? આ અંગે PSL 2025 માં લાહોર કલંદર્સ તરફથી રમનાર બાંગ્લાદેશી ખેલાડી રિશાદ હુસૈને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.
રિશાદ હુસૈને શું કહ્યું?
દુબઈ પહોંચ્યા પછી પત્રકારો સાથે વાત કરતા રિશાદ હુસૈને કહ્યું કે, 'ટીમના અન્ય વિદેશી ખેલાડીઓ જેમ કે સેમ બિલિંગ્સ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ડેવિડ વીઝ, ટોમ કુરન ખૂબ ડરી ગયા હતા. દુબઈ ઉતર્યા પછી, ડેરિલ મિશેલે કહ્યું હતું કે, હવે હું ક્યારેય પાકિસ્તાન નહીં જાઉં. ખાસ કરીને આવી પરિસ્થિતિમાં. એકંદરે બધા ડરી ગયા હતા.'
બધાં વિદેશી ખેલાડીઓ કેટલા ડરી ગયા હતા આ વાત પર ભાર મૂકતા રિશાદ હુસૈને કહ્યું કે, 'ટોમ કરન એરપોર્ટ ગયો. પણ ત્યાં તેમને ખબર પડી કે એરપોર્ટ બંધ છે. આ પછી તે બાળકની જેમ રડવા લાગ્યો હતો.'
પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે રિશાદ હુસૈને કહ્યું કે, 'અમે સંકટના સમયમાંથી પસાર થયા પછી દુબઈ પહોંચ્યા છીએ. અને હવે મને સારું લાગે છે. દુબઈમાં ઉતર્યા પછી, અમને ખબર પડી કે અમે ગયાના 20 મિનિટ પછી જ એરપોર્ટ પર મિસાઈલ હુમલો થયો છે. આ સમાચાર ખૂબ જ ડરામણા હતા. દુબઈ પહોંચ્યા પછી મને ઘણી રાહત થઈ રહી છે. પરિવારના સભ્યો ખૂબ ચિંતિત હતા. કારણ કે પાકિસ્તાનમાં વિવિધ સ્થળોએ વિસ્ફોટ અને મિસાઇલ હુમલા થઈ રહ્યા હતા.'
પીએસએલને દુબઈ લઈ જવાની તૈયારીઓ હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પીએસએલની બાકીની મેચો દુબઈમાં યોજવાની માહિતી આપી હતી. પરંતુ 24 કલાકની અંદર PCB એ PSL રદ કરવાની જાહેરાત કરી. આ સમય દરમિયાન, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમીરાત ક્રિકેટ બોર્ડે UAEમાં PSL મેચો ન યોજવાનો નિર્ણય લીધો છે. કારણ કે તે નથી ઇચ્છતો કે BCCI સાથેના તેના સંબંધો બગડે. આ કારણોસર PSL મુલતવી રાખવામાં આવ્યું હતું.