Get The App

'હું ખરાબ સંગતમાં પડી ગયો હતો, પંતે સપોર્ટ કર્યો...' ટીમ ઈન્ડિયામાંથી ફેંકાઈ ગયેલો ખેલાડી ભાવુક

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
Prithvi Shaw on His Struggle
(PHOTO - IANS)

Prithvi Shaw on His Struggle: વર્ષ 2018માં ભારતીય ક્રિકેટમાં શાનદાર એન્ટ્રી કરનાર પૃથ્વી શૉ આજે પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એક સમયે આ ખેલાડીને આગામી સચિન તેંડુલકર કહેવામાં આવતો હતો, આજે તે મુંબઈની રણજી ટીમમાંથી પણ બહાર છે અને કોઈ ટીમે તેને ખરીદયો નહોતો અને IPL 2025માં તે અનસોલ્ડ રહ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, પૃથ્વીએ પોતાના સંઘર્ષ, એકલતા અને ખોટા નિર્ણયો વિશે વાત કરી હતી. 

સચિન, સેહવાગ અને લારા જેવા દિગ્ગજો સાથે થતી હતી સરખામણી

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક વખત પૃથ્વી શૉની તુલના બ્રાયન લારા, સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ જેવા ક્રિકેટ દિગ્ગજો સાથે કરી હતી. જ્યારે પૃથ્વીએ વર્ષ 2018 માં ભારત માટે ડેબ્યૂ કર્યું અને પહેલી જ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી, ત્યારે એવું લાગતું હતું કે ભારતીય ક્રિકેટને તેનો આગામી સુપરસ્ટાર મળી ગયો છે.

2021માં ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો

પરંતુ માત્ર 3 વર્ષમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. સતત નબળા પ્રદર્શનના કારણે, પૃથ્વીને 2021માં ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. ધીમે ધીમે તેનું પ્રદર્શન વધુ ખરાબ થયું અને તેની હાલત એવી થઈ ગઈ કે વર્ષ 2025 માં તેને મુંબઈની રણજી ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો. એટલું જ નહીં, IPL 2025ના ઓક્શનમાં પણ કોઈ ટીમે તેને ખરીદ્યો નહીં.

રિષભ પંતે કર્યો સપોર્ટ

હવે પૃથ્વી શૉએ ખુલાસો કર્યો છે કે, 'જ્યારે હું મારી  કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રિષભ પંત એકમાત્ર ખેલાડી હતો જેણે મને સપોર્ટ કર્યો હતો. જ્યારે પણ રિષભ પંતને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, ત્યારે તે મારો સંપર્ક કરે છે.'

આ પણ વાંચો: ક્રિકેટર રિન્કુ સિંહને યોગી સરકારની મોટી ભેટ, શિક્ષણ વિભાગમાં બનશે મોટા અધિકારી

હું ખરાબ સંગતમાં પડી ગયો હતો: પૃથ્વી 

ક્રિકેટરે આ વિષે વધુ વાત કરતા કહ્યું કે, 'હું ખરાબ સંગતમાં પડી ગયો હતો, જેના કારણે મારું ધ્યાન આ રમત પરથી હટી ગયું. મેં જે જરૂરી નહોતું તેને પણ મહત્ત્વપૂર્ણ માનવાની ભૂલ કરી. મેં ખોટા મિત્રો સાથે મિત્રતા કરી કારણ કે હું તે સમયે ટોચ પર હતો. પછી મિત્રતા વધતી ગઈ અને તેઓ મને બહાર લઈ જવા લાગ્યા. તે પછી હું ટ્રેકથી ભટકી ગયો. પહેલા હું ગ્રાઉન્ડ પર 8 કલાક પ્રેક્ટિસ કરતો હતો, હવે હું ફક્ત 4 કલાક પ્રેક્ટિસ કરું છું.'

25 વર્ષીય પૃથ્વી શૉ હવે મુંબઈ છોડીને કોઈ અન્ય સ્ટેટ એસોસિએશન માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે, પૃથ્વીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પત્ર લખીને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માંગ્યું છે. પૃથ્વીએ પત્રમાં લખ્યું છે કે, 'મને કોઈ અન્ય સ્ટેટ એસોસિએશન તરફથી રમવાની ઓફર મળી છે. મને લાગે છે કે આનાથી મારી ક્રિકેટ કારકિર્દીને એક નવું પરિમાણ મળશે.'

પૃથ્વી શૉએ ભારત માટે 5 ટેસ્ટ મેચમાં 339 રન બનાવ્યા છે. તેમજ તેના નામે 6 વનડેમાં 189 રન છે. પૃથ્વીએ 1 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી હતી, જેમાં તે પોતાનું ખાતું ખોલી શક્યો ન હતો.

'હું ખરાબ સંગતમાં પડી ગયો હતો, પંતે સપોર્ટ કર્યો...' ટીમ ઈન્ડિયામાંથી ફેંકાઈ ગયેલો ખેલાડી ભાવુક 2 - image

Tags :