ભારતના પ્રનોયે ઓલિમ્પિક ચેમ્પિયન એક્સલસનને હરાવતા મેજર અપસેટ
- ઈન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિંટન ટુર્નામેન્ટ
- પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત પણ ક્વાર્ટર ફાઈનલ
બાલી, તા.૧૮
ભારતના એસ.એસ. પ્રનોયે કારકિર્દીનો યાદગાર દેખાવ કરતાં ઓલિમ્પિક ચેમ્પિયન ડેનિશ ખેલાડી વિક્ટર એક્સલસનને પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં ૧૪-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૬ થી હરાવીને ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં મેજર અપસેટ સર્જ્યો હતો. પ્રનોય અને એક્સલસનનો મુકાબલો એક કલાક અને ૧૧ મિનિટ સુધી ચાલ્યો હતો. જેમાં વિજેતા બનેલા પ્રનોયે અંતિમ આઠમાં સ્થાન હાંસલ કર્યું હતુ. ભારતના કિદામ્બી શ્રીકાંત અને ટોચની મહિલા ખેલાડી પી.વી. સિંધુએ પણ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ.
વર્લ્ડ રેન્કિંગમાં ૩૨મો ક્રમાંક ધરાવતા ભારતીય ખેલાડીએ વર્લ્ડ નંબર ટુ એક્સલસન સામેની છઠ્ઠી મેચમાં પહેલી જીત હાંસલ કરી હતી. આ જીતની સાથે તે માર્ચ મહિના બાદ સંપૂર્ણ રમાયેલી મેચમાં એક્સલસેનને હરાવનારો વિશ્વનો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર ભારતના કિદામ્બી શ્રીકાંતે ઈન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટી સામે ૧૩-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૫થી વિજય મેળવ્યો હતો. આ મુકાબલો એક કલાક અને બે મિનિટ ચાલ્યો હતો.
વર્ષ ૨૦૧૭માં બિનક્રમાંકિત ખેલાડી તરીકે રમતાં શ્રીકાંતે આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. હવે તે ઓલ ઈન્ડિયન ક્વાર્ટર ફાઈનલમાં પ્રનોય સામે ટકરાશે. ભારતની ટોચની મહિલા ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડાલીસ્ટ પી.વી. સિંધુએ સ્પેનની કાર્લા એઝુરમેન્ડીને ૧૭-૨૧, ૨૧-૭, ૨૧-૧૨થી પરાસ્ત કરી હતી. હવે તે તુર્કીની નેસ્લીહાન યિજીટની સામે ટકરાશે. તુર્કીશ ખેલાડી સામે સિંધુ સળંગ ત્રણ મેચ જીતી છે.