Ronaldo break Messi Record: USAના ટેક્સાસ સ્થિત હ્યુસ્ટન સ્ટેડિયમ ખાતે રમાયેલી FIFA વર્લ્ડ કપ 2026ની રોમાંચક મેચમાં પોર્ટુગલે શાનદાર પ્રદર્શન કરતા ઉઝબેકિસ્તાનને 5-0ના મોટા અંતરથી હરાવ્યું છે. આ મેચમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બે શાનદાર ગોલ કરીને ટીમની જીતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મેળવ્યો હતો. આ ધમાકેદાર જીત સાથે જ ગ્રુપ K સ્ટેજમાં હવે પોર્ટુગલના કુલ 4 પોઈન્ટ્સ થઈ ગયા છે.
મેચની મહત્ત્વની મિનિટો અને આંકડા:
પોર્ટુગલે મેચની શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું અને ફર્સ્ટ હાફના અંત સુધીમાં ટીમ 3-0થી આગળ હતી.
• 06મી મિનિટ: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચનો પ્રથમ અને પોતાનો પર્સનલ પહેલો ગોલ કરીને પોર્ટુગલને 1-0ની લીડ અપાવી.
• 17મી મિનિટ: નુનો મેન્ડિસે શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્કોર 2-0 કર્યો.
• 39મી મિનિટ: રોનાલ્ડોએ મેચમાં પોતાનો બીજો ગોલ ફટકકારીને ટીમને 3-0ની મજબૂત સ્થિતિમાં લાવી દીધી. (રોનાલ્ડો ફર્સ્ટ હાફમાં હેટ્રિક કરવાની ખૂબ જ નજીક હતા, પરંતુ ડિફેન્ડર્સે ગોલ લાઇન પરથી બોલ રોકી લીધો હતો).
• 60મી મિનિટ: ઉઝબેકિસ્તાનના ગોલકીપર અબ્દુવોહિદ નેમાતોવ દ્વારા ઓન-ગોલ થતાં પોર્ટુગલની લીડ 4-0 થઈ.
• 87મી મિનિટ: રાફેલ લેઆઓ એ મેચનો છેલ્લો અને પાંચમો ગોલ કરીને ઉઝબેકિસ્તાન સામે 5-0થી ઐતિહાસિક જીત સુનિશ્ચિત કરી.
રોનાલ્ડોએ રચ્યો નવો ઈતિહાસ: તોડ્યો મેસ્સીનો રેકોર્ડ
આ મેચ દરમિયાન 41 વર્ષના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફૂટબોલ જગતમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. તે વિશ્વનો એવો પ્રથમ ખેલાડી બની ગયો છે જેણે 6 અલગ-અલગ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ગોલ નોંધાવ્યો હોય. આ સાથે જ તેણે લિયોનેલ મેસ્સીના વર્લ્ડ કપ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. ગોલ કર્યા બાદ રોનાલ્ડોએ પોતાની આગવી 'SIUUU' સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું અને સાથી ખેલાડીઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી.
ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
પોર્ટુગલની અગાઉની મેચ કોંગો સામે રમાઈ હતી, જે 1-1થી ડ્રો રહી હતી. તે મેચમાં રોનાલ્ડો ખાસ કંઈ પ્રદર્શન કરી શક્યો નહોતો, જેને પગલે કેટલાક વિવેચકોએ તેને સ્ટાર્ટિંગ ઈલેવનમાં રાખવા સામે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ મેચમાં બે ગોલ ફટકારીને રોનાલ્ડોએ તમામ ટીકાકારોના મોં બંધ કરી દીધા છે.
હવે આગામી મુકાબલો કોની સામે?
આ શાનદાર વિજય બાદ હવે પોર્ટુગલની ટીમ આગામી શનિવારે રાત્રે મિયામીમાં કોલંબિયા સામે પોતાના ગ્રુપ તબક્કાની છેલ્લી મેચ રમશે. બીજી તરફ, પરાજિત થયેલી ઉઝબેકિસ્તાનની ટીમ શનિવારે રાત્રે જ એટલાન્ટામાં કોંગો સામે ટકરાશે.
લિયોનેલ મેસ્સીનો કયો રેકોર્ડ ચર્ચામાં છે?
એક તરફ જ્યાં રોનાલ્ડોએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, ત્યાં બીજી તરફ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સી પણ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. લિયોનેલ મેસ્સી FIFA વર્લ્ડ કપના સમગ્ર ઈતિહાસમાં અત્યાર સુધીનો 'ઓલ-ટાઇમ હાઈએસ્ટ ગોલસ્કોરર' બની ગયો છે. ફૂટબોલના ઈતિહાસમાં વર્લ્ડ કપ સ્ટેજ પર તેમના જેટલા ગોલ અન્ય કોઈ ખેલાડીના નામે નોંધાયેલા નથી.


