14 વર્ષના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની પીએમ મોદી સાથે મુલાકાત, ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ
PM Modi meets 14-year star cricketer Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી 30 મે શુક્રવારના રોજ પટના એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. 14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમત રમી હતી. વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ સાથે જ વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થઈ ગયો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની મુલાકાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ X હેન્ડલ પર લખ્યું, 'પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત થઈ. તેની ક્રિકેટ સ્કિલની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. તેના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.'
IPL 2025 માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન
વૈભવ સૂર્યવંશી IPL ની વર્તમાન સિઝનમાં કુલ 7 મેચ રમ્યો હતો. જેમાં તેણે 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 36.00 નોંધાઈ હતી. તેમજ સ્ટ્રાઈક રેટ 206.55 હતો. તેણે કુલ 122 બોલ રમ્યા, જેમાં 18 ચોગ્ગા અને 24 છગ્ગાનો સમાવેશ થાય છે.