એશિયા કપ પહેલા પાકિસ્તાનનો નવો ડ્રામા, PHFએ કહ્યું- ‘જો ભારતમાં ખતરો હશે તો ટીમને ત્યાં નહીં મોકલીએ’
2025 Men's Hockey Asia Cup IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયા બાદ તેની અસર રમત-ગમત પર પડી રહી છે. ભારતમાં 27 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં હૉકી એશિયા કપ-2025 યોજાવાનો છે, જેમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાનની હૉકી ટીમને પણ આવવાની મંજૂરી આપી દીધી છે, જોકે હવે પાકિસ્તાને નવો ડ્રામા શરુ કરી દીધો છે. આતંકવાદીઓને પોશનારા પાકિસ્તાનનું હૉકી ફેડરેશન ભારતમાં આવી સુરક્ષાની તપાસ કરવા માંગે છે.
અમે ભારતમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરીશું : પાકિસ્તાન હૉકી ફેડરેશન
પાકિસ્તાન આગામી મહિને યોજાનાર હૉકી ટુર્નામેન્ટમાં અને આ વર્ષના અંતે યોજાનાર જૂનિયર વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. સરકારે પાકિસ્તાન હૉકી ટીમને મંજૂરી આપી દીધી છે. જોકે પાકિસ્તાન હૉકી ફેડરેશન (PHF) સત્તાવાર નિવેદન જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. ફેડરેશનના એક અધિકારીએ કહ્યું કે, ‘અમે અમારી હૉકી ટીમને ભારત મોકલતા પહેલા ત્યાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરીશું. જો ભારતમાં કોઈ ખતરો હશે તો અમે અમારી ટીમને ત્યાં નહીં મોકલીએ.’
પાકિસ્તાનને ભારતને અસુરક્ષિત ગણાવ્યો
ફેડરેશનના અધિકારીએ કહ્યું કે, ‘ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની નાગરિકો માટે ભારતનો પ્રવાસ કરવો સુરક્ષિત નથી. ભારતમાં યોજાનાર હૉકી ટુર્નામેન્ટમાં અમારી રાષ્ટ્રીય હૉકી ટીમને મોકલવા માટે સંબંધિત મંત્રાલયોની સલાહ અને મંજૂરી માંગવામાં આવી છે.’ પીએચએફના મહાસચિવ રાણા મુજાહિદે કહ્યું કે, ‘અમારી સરકારની મંજૂરી મળ્યા બાદ અમે અમારી ટીમને ભારત મોકલીશું. પીએચફ હૉકી ટીમના ખેલાડીઓને સોશિયલ મીડિયા પર અપાતી ધમકીઓ પર નજર રાખી રહ્યું છે.’
આ પણ વાંચો : સતત 5 બોલમાં 5 વિકેટ... જુઓ VIDEO
27 ઑગસ્ટથી હૉકી એશિયા કપની શરુઆત
બિહારના રાજગીરમાં હૉકી એશિયા કપ-2025ની શરુઆત થવાની છે. આ ટુર્નામેન્ટ 27 ઑગસ્ટથી સાત સપ્ટેમ્બર સુધી રમાવાની છે. રિપોર્ટ મુજબ રમત-ગમત મંત્રાલયે પાકિસ્તાની ટીમને ભારત આવવા મંજૂરી આપી દીધી છે.
ક્રિકેટના મેદાન પર પણ ટક્કર થશે!
એશિયા કપ મેન્સ ટી20 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. આ ટુર્નામેન્ટ 4 કે 5 સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે અને 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તે જ સમયે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ UAEમાં યોજાવાની ધારણા છે. અંતિમ સમયપત્રક અને સ્થળની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ટુર્નામેન્ટ માટે યુએઈ તટસ્થ સ્થળ બનવાનું લગભગ નક્કી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ 7 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. આ જ મેદાન પર તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી.