એશિયન ગેમ્સ માટે પાકિસ્તાનની ટીમનું એલાન, 20 વર્ષના ઓલરાઉન્ડરને બનાવાયો કેપ્ટન
એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની આશા
સેમીફાઈનલ મેચ 6 ઓક્ટોબરે અને ફાઈનલ 7 ઓક્ટોબરે રમાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી બે મહિનામાં જબરદસ્ત ટક્કર થવા જઈ રહી છે. એશિયા કપ અને પછી વર્લ્ડ કપમાં તો બંને ટીમો વચ્ચે મુકાબલો થવાનો જ છે, આ બંને ટુર્નામેન્ટ સિવાય એશિયન ગેમ્સમાં પણ ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની આશા છે. એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમનું એલાન તો પહેલાથી જ થઈ ચૂક્યું છે. હવે પાકિસ્તાનની ટીમનું એલાન પણ થઈ ચૂક્યું છે, જેની કમાન 20 વર્ષના ઓલરાઉન્ડર કાસિમ અકરમને સોંપવામાં આવી છે. ત્યારે ટીમમાં 8 એવા ખેલાડીઓને જગ્યા મળી છે, જે પાકિસ્તાન માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે, જેમાંથી આસિફ અલી, મોહમ્મદ હસનૈન, શાહનવાઝ દહાની જેવા નામ સામેલ છે.
ચીનના હાંગઝૂમાં 23 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સની શરૂઆત થશે, જેમાં પુરુષોની ક્રિકેટ ઈવેન્ટ 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 7 ઓક્ટોબર સુધી ચાલશે. ICC રેન્કિંગમાં ટોપ 10 હોવાના કારણે ભારત, પાકિસ્તાન જેવી ટીમોને સીધા ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મળશે. ક્વાર્ટર ફાઈનલ મેચ 3 અને 4 ઓક્ટોબરે રમાશે. ત્યારે સેમીફાઈનલ મેચ 6 ઓક્ટોબરે અને ફાઈનલ 7 ઓક્ટોબરે રમાશે.
અંડર-19ના કેપ્ટનને કમાન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ઈવેન્ટ માટે ગુરુવારે 24 ઓગસ્ટના રોજ 15 સભ્યોવાળી સ્ક્વૉડનું એલાન કર્યું. કાસિમ અકરમને ટીમના કેપ્ટન બનાવાયા છે. કાસિમ જ ગત વર્ષ રમાયેલી અંડર-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમના કેપ્ટન હતા. હાલમાં જ તેમણે એમર્જિંગ એશિયા કપમાં પણ ભાગ લીધો હતો, જેને પાકિસ્તાનની ટીમે ફાઈનલમાં ભારતને હરાવીને જીત્યો હતો.
પાકિસ્તાનની ટીમમાં સૌથી અનુભવી ખેલાડી તરીકે આસિફ અલી હાજર છે, જેમણે પાકિસ્તાન માટે સતત બે ટી-20 વર્લ્ડ કપ રમ્યા હતા. તેઓ પાકિસ્તાન માટે 21 વનડે અને 55 ટી20 મેચ રમી ચૂક્યા છે. આ સિવાય દહાની, હસનૈન, ઉસ્માન કાદિર, ખુશદિલ શાહ, હૈદર અલી, આમિર જમાલ અને અરશદ ઈકબાલ પણ પાકિસ્તાન માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે.
પાકિસ્તાનની સ્ક્વૉડ
કાસિમ અકરમ (કેપ્ટન), ઓમેર બિન યૂસુફ, આમિર જમાલ, અરાફાત મિન્હાસ, અરશદ ઈકબાલ, આસિફ અલી, હૈદર અલી, ખુશદિલ શાહ, મિર્ઝા તાહિર બેગ, મોહમ્મદ હસનૈન, મુહમ્મદ અખલાક (વિકેટકીપર), રોહૈલ નઝીર, શાહનવાઝ દહાની, સૂફિયાન મુકીમ, ઉસ્માન કાદિર.