ન્યૂઝીલેન્ડનો ૩-૦થી વ્હાઇટવોશ, પાકિસ્તાનનો સતત ૯મો વિજય
ત્રીજી ટી૨૦ : ન્યૂઝીલેન્ડે ૨૩ રનમાં અંતિમ ૮ વિકેટ ગુમાવી : પાકિસ્તાન ૧૬૬/૩, ન્યૂઝીલેન્ડ ૧૧૯
ટ્વેન્ટી૨૦માં સળંગ સૌથી વધુ વિજય મેળવવામાં પાકિસ્તાન હવે બીજા સ્થાને
દુબઇ, તા. ૫
બાબર આઝમ, મોહમ્મદ હાફીઝની અડધી સદી બાદ બોલરોના શાનદાર દેખાવની સહાયથી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટ્વેન્ટી૨૦ મેચમાં પાકિસ્તાને ૪૭ રને વિજય મેળવ્યો હતો. વિજય માટે પાકિસ્તાને આપેલા ૧૬૭ના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડનો સ્કોર એક તબક્કે ૧૨.૧ ઓવરમાં ૨ વિકેટે ૯૬ હતો. અહીંથી ન્યૂઝીલેન્ડનો ધબડકો થતાં તેની ઇનિંગ્સ ૧૧૯માં સમેટાઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડે ૨૧ બોલમાં અંતિમ ૮ વિકેટ ગુમાવી હતી અને તેમાં તે કુલ ૨૩ રન નોંધાવી શક્યું હતું. પાકિસ્તાનનો ટ્વેન્ટી૨૦માં આ સળંગ ૯મો વિજય છે. જુલાઇ ૨૦૧૮માં ઝિમ્બાબ્વે સામેની મેચ સાથે પાકિસ્તાનની ટ્વેન્ટી૨૦માં વિજય કૂચની શરૃઆત થઇ હતી. આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં સળંગ સૌથી વધુ વિજય મેળવવામાં પાકિસ્તાન હવે બીજા સ્થાને આવી ગયું છે. અફઘાનિસ્તાન સળંગ સૌથી વધુ ૧૧ ટ્વેન્ટી૨૦ મેચ જીતવાનો રેકોર્ડ ધરાવે છે.
રવિવારે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન વિલિયમ્સને સૌથી વધુ ૬૦ રનનું યોગદાન આપ્યું હતું જ્યારે અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. મોહમ્મદ હાફીઝને પ્લેયર ઓફ ધ સિરીઝ જ્યારે બાબર આઝમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બુધવારથી પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.
આંતરરાષ્ટ્રીય ટી૨૦માં સળંગ વધુ વિજય
ટીમ વિજય
અફઘાનિસ્તાન ૧૧
પાકિસ્તાન ૦૯*
ઇંગ્લેન્ડ ૦૮
આયર્લેન્ડ ૦૮
પાકિસ્તાન ૦૮
ભારત ૦૭