IND vs PAK : પાકિસ્તાને રનચેઝ કરી ભારતને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ 45 રન કર્યા

Image From PCB X Account |
IND vs Pak Match results : ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં રવિવારે રમાયેલા ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમનો શરમજનક પરાજય થયો છે. પાકિસ્તાન-A એ એકતરફી મેચમાં ભારત-A ને 8 વિકેટે કારમી હાર આપી હતી. માઝ સદાકતની વિસ્ફોટક અણનમ અડધી સદી સામે ભારતીય બોલરો લાચાર દેખાયા હતા.
ભારતીય બેટિંગનો ધબડકો
દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારત-A ને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને ચોથા ઓવરમાં જ પ્રિયાંશ આર્ય (10 રન) આઉટ થઈ ગયો. ત્યારબાદ, ગત મેચના હીરો વૈભવ સૂર્યવંશી અને નમન ધીરે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો.
136 રનમાં સમેટાઈ ભારતીય ટીમ
નમન ધીરે 20 બોલમાં 35 રન અને વૈભવ સૂર્યવંશીએ 28 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા. જોકે, 10મા ઓવરમાં વૈભવના આઉટ થયા બાદ ભારતીય બેટિંગ લાઇનઅપ ધરાશાયી થઈ ગઈ. કેપ્ટન જિતેશ શર્મા (5), આશુતોષ શર્મા (0), અને નેહાલ વઢેરા (8) જેવા ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ ગયા અને આખી ભારતીય ટીમ 19મા ઓવરમાં માત્ર 136 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.
પાકિસ્તાનનો દબદબાભર્યો રન ચેઝ
137 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી. પાકિસ્તાને માત્ર બે વિકેટ ગુમાવીને 14મા ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પાકિસ્તાન તરફથી માઝ સદાકતે શાનદાર બેટિંગ કરતા માત્ર 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 45 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 78 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે પાકિસ્તાન-A એ ટૂર્નામેન્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે.

