Get The App

વૈભવ સૂર્યવંશીને નિષ્ફળતા પચાવતા શીખવો, નહીંતર...: BCCIને દિગ્ગજ કોચની સલાહ

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
વૈભવ સૂર્યવંશીને નિષ્ફળતા પચાવતા શીખવો, નહીંતર...: BCCIને દિગ્ગજ કોચની સલાહ 1 - image

Ex Mental Conditioning Coach on Vaibhav: ભારતીય ક્રિકેટ જગતમાં આ સમયે સૌથી મોટી સનસની તરીકે ઊભરી આવેલું નામ એટલે વૈભવ સૂર્યવંશી. IPL 2026 પહેલાં જ ડોમેસ્ટિક ક્રિકેટ અને અંડર-19 ક્રિકેટમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ધૂમ મચાવનાર આ યુવા ખેલાડીને હવે ભારતીય સિનિયર ટીમમાં પણ સ્થાન મળી ગયું છે. તે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બનશે. હાલમાં તે શ્રીલંકામાં ઇન્ડિયા A ટીમ તરફથી ટ્રાઇ-નેશન વનડે સિરીઝ રમી રહ્યો છે.

માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવને જબરદસ્ત લોકપ્રિયતા અને વૈશ્વિક સ્ટારડમ મળ્યું છે. જોકે ભારતીય ટીમના પૂર્વ મેન્ટલ કન્ડિશનિંગ કોચ પેડી અપ્ટને આ બાબતે BCCIને એક મોટી અને કડવી સલાહ આપી છે. તેમનું કહેવું છે કે હવે વૈભવને ભવિષ્યમાં આવનારી નિષ્ફળતાઓ અને વાસ્તવિકતાનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર કરવો અત્યંત જરૂરી છે.

શ્રીલંકાના પ્રવાસ દરમિયાન વિવાદમાં ફસાયો વૈભવ

આ સ્ટારડમ વચ્ચે વૈભવ સૂર્યવંશી તાજેતરમાં શ્રીલંકામાં એક વિવાદના કારણે ચર્ચામાં આવ્યો હતો. એક રોમાંચક મેચમાં સુપર ઓવર પૂરી થયા બાદ તે શ્રીલંકાના ખેલાડી સાથે મેદાન પર જ ધક્કામુક્કી કરવા પહોંચી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની આકરી ટીકા થઈ હતી. કેટલાક મીડિયા અહેવાલો મુજબ, શ્રીલંકન ખેલાડી સાથે અણછાજતું વર્તન અને હાથાપાઈ કરવાનો પ્રયાસ કરવા બદલ તેના પર શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે.

બીજી તરફ, ઇન્ડિયા A માટે પણ હાલમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. આટલી નાની ઉંમરે અચાનક મોટી લોકપ્રિયતા મળવાના કારણે ખેલાડીઓનું ફોકસ વિખેરાઈ જવાનું જોખમ રહેલું છે, તેથી પેડી અપ્ટનની આ સલાહને ટીમ મેનેજમેન્ટ ગંભીરતાથી જોઈ શકે છે.

‘વૈભવને નિષ્ફળતા અને રિયાલિટી ચેક માટે તૈયાર કરો’

વર્ષ 2011માં વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફનો હિસ્સો રહી ચૂકેલા પેડી અપ્ટને એક ખાસ વાતચીતમાં કહ્યું કે “જો હું અત્યારે ટીમ મેનેજમેન્ટમાં હોઉં, તો સૌથી પહેલાં વૈભવ સૂર્યવંશીને નિષ્ફળતાનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર કરીશ. મારો કહેવાનો અર્થ એ છે કે, એવી પૂરી શક્યતા છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની શરૂઆતની 2 કે 3 ઇનિંગ્સમાં તે સસ્તામાં આઉટ થઈ જાય અને રન ન બનાવી શકે. તે સમયે તેને કેવું લાગશે? તે સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને દબાણને કેવી રીતે હેન્ડલ કરશે? સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેને એ સમજાવવું કે નિષ્ફળતા એ ક્રિકેટનો જ એક ભાગ છે. નિષ્ફળતા તો આવશે જ, ભલે હમણાં આવે કે થોડા સમય પછી, પણ એ ચોક્કસ આવશે.”

શું તે આગામી સચિન, વિરાટ કે ધોની બનશે?

પેડી અપ્ટનનું માનવું છે કે કોઈ પણ મહાન ખેલાડી માટે ખરાબ ફોર્મમાંથી પસાર થવું સામાન્ય બાબત છે, પરંતુ મહત્ત્વનું એ છે કે તે ખેલાડી તેમાંથી કઈ રીતે કમબેક કરે છે.

આ પણ વાંચો: એસિડ એટેકમાંથી બચ્યો અને વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ! આ ફૂટબોલ ખેલાડીનો સંઘર્ષ જાણી આંખો ભીની થઈ જશે

તેમણે ભૂતકાળના ઉદાહરણો આપતા ઉમેર્યું કે,  “છેલ્લા 5-6 વર્ષમાં આપણે ભારતમાં એવા ઘણા યુવા સુપરસ્ટાર્સને ખૂબ ઝડપથી આકાશ આંબતા જોયા છે, જેમણે IPLમાં 1-2 સીઝન સારું પ્રદર્શન કર્યું અને લોકોએ તેમને ‘આગામી સચિન તેંડુલકર’, ‘આગામી વિરાટ કોહલી’ કે ‘આગામી એમએસ ધોની’ તરીકે ઓળખાવવાનું શરૂ કરી દીધું. જોકે કમનસીબે આજે તેમાંથી મોટા ભાગના ખેલાડીઓ ક્યાંય દેખાતા નથી. તેઓ સામાન્ય આંતરરાષ્ટ્રીય અથવા માત્ર આઈપીએલ ક્રિકેટરો બનીને રહી ગયા છે. ઘણી વખત આ યુવા ખેલાડીઓ બહારના ગ્લેમર, અપેક્ષાઓના ભાર અને શોરબકોરમાં પોતાની અસલી રમત ગુમાવી બેસે છે.”

અપ્ટને અંતમાં BCCI સામે એક મોટો પ્રશ્ન મૂકતા કહ્યું કે, “મારો સૌથી મોટો સવાલ એ છે કે અત્યારે વૈભવને યોગ્ય દિશા બતાવવા માટે પડદા પાછળ તેની સાથે કોણ કામ કરી રહ્યું છે? કારણ કે અચાનક મળેલી આ પ્રસિદ્ધિ અને અઢળક પૈસાને કેવી રીતે સંભાળવા, તે યુવા ખેલાડીઓ માટે સૌથી અઘરું કામ હોય છે.”