IND vs ENG | ઓવલના પિચ ક્યૂરેટરે ફરી ગૌતમ ગંભીર સાથે 'પંગો' કર્યો, જુઓ VIDEO
Gautam Gambhir vs Lee Fortis: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ફરી વિવાદ થયો છે. આ વખતે તેણે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પિચને લઈને દલીલ કરી, જ્યારે ગંભીર, શુભમન ગિલ, બેટિંગ કોચ સિતાશું કોટક અને ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ મેદાન પર હાજર હતા.
ક્યુરેટર લી ફોર્ટિસ અને ગંભીર વચ્ચે ફરી વિવાદ
આ ઘટના 30 જુલાઈના રોજ એટલે કે બુધવારે જ્યારે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં હતી ત્યારે બની હતી. ફોર્ટિસે સિતાશું કોટકને પિચથી થોડું દૂર ઊભા રહેવા કહ્યું. ભારતીય ટીમે કોઈ દલીલ વગર તેમની વાત માની લીધી. આ દરમિયાન, ગંભીરે પોતાની જગ્યા બદલી લીધી, પરંતુ તેણે ફોર્ટિસને સંપૂર્ણપણે અવગણ્યો હતો.
એવું લાગતું હતું કે ફોર્ટિસ ત્યાં હાજર જ નથી. ફોર્ટિસની આ રીત અર્થહીન હતી, કારણ કે ગંભીર, અગરકર, કોટક અને કેપ્ટન ગિલ પહેલેથી જ પિચથી ખૂબ દૂર અને સ્પાઇક વગરના શૂઝ પહેરીને ઊભા હતા. સૂચના આપ્યા પછી ક્યુરેટર ત્યાંથી પાછો ફર્યો, જ્યારે ગિલ, ગંભીર, કોટક અને અગરકરે પોતાની વાતચીત ચાલુ રાખી. આ દરમિયાન શુભમન ગિલ પિચની સપાટી તપાસતો પણ જોવા મળ્યો હતો. તેમજ ઓવલની આ પિચ પર સામાન્ય કરતાં વધારે ઘાસ દેખાઈ રહ્યું હતું.
29 જુલાઈના રોજ પણ થયો હતો વિવાદ
અગાઉ મંગળવારે (29 જુલાઈ) પણ ક્યુરેટર લી ફોર્ટિસ અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ફોર્ટિસે ભારતીય કોચિંગ સ્ટાફને મુખ્ય પિચ વિસ્તારથી 2.5 મીટર દૂર રહેવા કહ્યું હતું. આનાથી ભારતીય કેમ્પમાં નારાજગી ફેલાઈ અને ગંભીરને એવું કહેતા સાંભળવામાં આવ્યો હતો કે 'તમે અમને એ કહી ન શકો કે અમારે શું કરવું છે... તમને કહેવાનો કોઈ હક નથી. તમે માત્ર એક ગ્રાઉન્ડ્સમેન છો, તેનાથી વધુ કશું નહીં.'
શુભમન ગિલનું નિવેદન
જ્યારે શુભમન ગિલને આ વિવાદ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, 'જે કાલે (29 જુલાઈ) થયું તે તદ્દન બિનજરૂરી હતું. કોચને પિચ જોવાનો પૂરો હક છે. સમજાતું નથી કે ક્યુરેટરે તેને શા માટે રોક્યા. જ્યાં સુધી તમે રબર સ્પાઇક્સ પહેરી રહ્યા છો કે ઉઘાડા પગે છો, ત્યાં સુધી કોઈ સમસ્યા ન હોવી જોઈએ... આ વાત સમજાઈ નહીં કે તેણે શા માટે ના પાડી. છેલ્લા ચાર મેચમાં તો આવો કોઈ બનાવ બન્યો ન હતો.'
ક્યુરેટરનો ભારત પ્રત્યેનો બેવડો વ્યવહાર
રસપ્રદ વાત એ છે કે, તે જ દિવસે જો રૂટ અને ઓલી પોપ જેવા સિનિયર ખેલાડીઓ મેચ પિચ પર ઊભા રહીને શેડો બેટિંગ કરતા જોવામાં મળ્યા હતા. આ પહેલા બૅન સ્ટોક્સ અને હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ પણ ક્યુરેટરની હાજરીમાં પિચની આસપાસ ઊભા રહીને લાંબી વાતચીત કરતા હતા. તે સમયે કોઈને પણ પિચથી દૂર રહેવા માટે કોઈ સૂચના આપવામાં આવી ન હતી.
વધુ આશ્ચર્યજનક વાત એ છે કે સોમવારે સૌથી પહેલા ઇંગ્લેન્ડના હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ અને ECB ના ડાયરેક્ટર રોબ કીએ ક્યુરેટર ફોર્ટિસની હાજરીમાં પિચનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું. તે સમયે તે સ્પાઇક્સ વગરના શૂઝ પહેરીને પિચ પર ઊભા હતા, પરંતુ ફોર્ટિસે પણ તેમને કંઈ કહેવાની જરૂરીયાત ન સમજી.
આ બધું એવા સમયે થયું છે જ્યારે 31 જુલાઈથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ લંડનના 'ધ ઓવલ' મેદાનમાં રમાવાની છે. હાલમાં, ઇંગ્લેન્ડની ટીમ આ સીરિઝમાં 2-1 થી આગળ છે.