Devkinandan Thakur Warns KKR And Shahrukh: બાંગ્લાદેશમાં કટ્ટરપંથી કઠપૂતળી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાથી ભારતમાં આક્રોશ વધી રહ્યો છે. બાંગ્લાદેશમાં ક્યાંક હિન્દુઓના ઘરોને આગ ચાંપવામાં આવી રહી છે તો ક્યાંક તેમની હત્યા કરવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે ક્રૂર ભીડને ખુલ્લી છૂટ મળી ગઈ છે પરંતુ મોહમ્મદ યુનુસની બેશરમ સરકાર હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને નાની-મોટી ઘટનાઓ અને પ્રોપગેન્ડા ગણાવીને ફગાવી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી ક્રૂરતા અને અત્યાચારથી ભારતમાં આક્રોશ વધી રહ્યો છે. આ વચ્ચે હવે પ્રખ્યાત કથાવાચક દેવકીનંદન ઠાકુરે ચેતવણી આપી છે કે, IPLમાં કોઈપણ બાંગ્લાદેશી ક્રિકેટરને રમાડવામાં ન આવે. તેમણે IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાનને પણ ચેતવણી આપી છે, તેની ફ્રેન્ચાઈઝીએ મુસ્તફિઝુર રહેમાનને 9.2 કરોડમાં ખરીદ્યો છે.
ઉજ્જૈનના કેટલાક ધર્મગુરુ પણ ચેતવણી આપી ચૂક્યા છે
આ પહેલા ઉજ્જૈનના કેટલાક ધર્મગુરુ પણ ચેતવણી આપી ચૂક્યા છે કે, જો IPL 2026માં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રમાડવામાં આવશે, તો અમે મેચમાં ખલેલ પહોંચાડીશું. જો આવું થયું તો સાધુ-સંતો સ્ટેડિયમમાં ઘુસી શકે છે અને પિચને નુકસાન પહોંચાડી શકે છે. IPLમાં બાંગ્લાદેશી ક્રિકેટર અંગે સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગમાં પણ આક્રોશ છે.
બાંગ્લાદેશી ખેલાડીને તાત્કાલિક બહાર કરે KKR: દેવકીનંદન ઠાકુર
દેવકીનંદન ઠાકુરે એક કથા દરમિયાન કહ્યું કે, 'અમે કહ્યું હતું કે IPLમાં કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર ન હોવા જોઈએ. અમે સર્ચ કર્યું છે, એક બાંગ્લાદેશી ક્રિકેટર છે જેને ખરીદવામાં આવ્યો છે. શું તમે જાણો છો કે તેને કોણે ખરીદ્યો? તે અહીં મુંબઈમાં જ રહે છે. તે એક ટીમનો માલિક છે. અમે સાંભળ્યું છે કે તેને પાકિસ્તાન પ્રત્યે ઊંડો પ્રેમ છે. તેને હિંદુઓને દુઃખ પહોંચાડનારાઓ પ્રત્યે જ ઊંડો પ્રેમ છે. અમે તેને કહેવા માંગીએ છીએ કે, જો તમે હિંદુઓને પ્રેમ કરો છો, જો તમે ભારતને પ્રેમ કરો છો, જો તમને હિંદુઓના મૃત્યુ પર દુઃખ છે, જો તમને તે 6 વર્ષની બાળકીને સળગાવી દેવા પર દુઃખ છે, તો મિસ્ટર KKR (અહીં KKRના સહ-માલિક SRK, એટલે કે શાહરૂખ ખાન તરફ ઈશારો છે) તે ખેલાડીને, બાંગ્લાદેશી ખેલાડીને પોતાની ટીમમાંથી તાત્કાલિક બહાર કરો.'
ભારતીયોએ તને હીરો બનાવ્યો છે, ઝીરો પણ બનાવી શકે છે
કથાવાચકે આગળ કહ્યું કે, ઠાકુરે આગળ કહ્યું, 'જો તે ખેલાડી તમારી ટીમમાં રહ્યો તો અમને તમારી ટીમનો બહિષ્કાર કરવા માટે અને તેને બાંગ્લાદેશ પાછો મોકલવા માટે મજબૂર થઈ જઈશું. કોણ-કોણ ઈચ્છે છે કે KKR મેનેજમેન્ટ તેને બાંગ્લાદેશ પાછો મોકલે? મિસ્ટર KKR (SRK કહેવા માગે છે) એ ના ભૂલશો કે આ જ ભારત, ભારતીયોએ તમને હીરો બનાવ્યા છે. જે તને હીરો બનાવી શકે છે તે ઝીરો પણ બનાવી શકે છે. તે બાંગ્લાદેશીને 9.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. તે પૈસા ક્યાં જશે? તેનો ઉપયોગ ક્યાં થશે? તમામ હિન્દુઓ માર્યા જશે? તે પૈસા આપી કોણ રહ્યું છે? પોતાની જાતને હીરો કહેનારા! હજું પણ સમય છે સુધરી જાઓ નહીંતર સમય ઉલ્ટી દિશામાં વહેવા લાગશે અને ત્યારે તમને કોઈ બચાવી નહીં શકશે.
છેલ્લા 15 દિવસમાં 3 હિન્દુઓની હત્યા
તમને જણાવી દઈએ કે, છેલ્લા 15 દિવસમાં બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ 3 હિન્દુઓની હત્યા કરી નાખી છે. આ ઉપરાંત વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન સ્વતંત્ર સ્ત્રોતો દ્વારા લઘુમતીઓ સામે હિંસાની 2,900થી વધુ ઘટનાઓ નોંધવામાં આવી છે, જેમાં હત્યા, આગચંપી અને જમીન પચાવી પાડવા જેવા મામલા સામેલ છે.


