Get The App

VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં એક કેચ અંગે વિવાદ, થર્ડ અમ્પાયરથી થયું 'બ્લન્ડર'!

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં એક કેચ અંગે વિવાદ, થર્ડ અમ્પાયરથી થયું 'બ્લન્ડર'! 1 - image


IND vs PAK Viral Video : ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં રવિવારે ભારત-A અને પાકિસ્તાન શાહીન્સ વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે કારમી હાર આપી. જોકે, આ મેચ પાકિસ્તાનની જીત કરતાં પણ વધુ એક મોટા અમ્પાયરિંગ વિવાદને કારણે ચર્ચામાં રહી છે. એક રિલે કેચ અંગે ત્રીજા અમ્પાયરના વિચિત્ર નિર્ણયને કારણે ભારતીય કેપ્ટન જિતેશ શર્મા સહિતના ખેલાડીઓ મેદાન પર જ અમ્પાયરો સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.



શું હતો સમગ્ર વિવાદ? 

137 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાનની ઇનિંગ્સની 10મી ઓવરમાં આ વિવાદ સર્જાયો હતો. સુયશ શર્માની બોલિંગમાં પાકિસ્તાનના ઓપનર માઝ સદાકતે બાઉન્ડ્રી તરફ શોટ માર્યો. બાઉન્ડ્રી પર હાજર નેહાલ વઢેરા અને નમન ધીરે મળીને એક શાનદાર રિલે કેચ પકડ્યો.

ભારતીય ખેલાડીઓ કેચને લઈને સંપૂર્ણપણે આશ્વસ્ત હતા અને તેમણે ઉજવણી શરૂ કરી દીધી હતી. બેટ્સમેન સદાકત પણ પેવેલિયન તરફ ચાલવા લાગ્યો હતો. પરંતુ, જ્યારે આ નિર્ણય ત્રીજા અમ્પાયર પાસે ગયો, ત્યારે લાંબી સમીક્ષા બાદ તેમણે બેટ્સમેનને નોટઆઉટ જાહેર કર્યો.

આઉટ નહીં, તો 6 રન પણ નહીં, માત્ર ડોટ બોલ! 

સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે ત્રીજા અમ્પાયર બાંગ્લાદેશના મુર્શીદ અલી ખાને બેટ્સમેનને નોટઆઉટ તો આપ્યો, પરંતુ તેને છ રન પણ ન આપ્યા. તેમણે તે બોલને 'ડોટ બોલ' જાહેર કર્યો, જેણે સૌને ચોંકાવી દીધા. આ નિર્ણયથી ભારતીય કેપ્ટન જિતેશ શર્મા ખૂબ જ નારાજ દેખાયો અને તેણે મેદાન પરના અમ્પાયરો સાથે લાંબા સમય સુધી દલીલ કરી.

શું કહે છે ICCનો નવો નિયમ? 

ICCના નવા નિયમ મુજબ, જો કોઈ ફિલ્ડર બાઉન્ડ્રી પાસે કેચ લેતી વખતે બોલને અંદરની તરફ ઉછાળે છે, તો તે રિલે કેચ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે બોલને ઉછાળનાર ફિલ્ડર પણ બાઉન્ડ્રીની અંદર જ હોય. સંભવતઃ, નેહાલ વઢેરા તે સમયે બાઉન્ડ્રીની અંદર ન હોવાથી બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવ્યો. પરંતુ, જો બેટ્સમેન આઉટ ન હતો, તો નિયમ મુજબ તે બોલ પર છ રન મળવા જોઈતા હતા. અમ્પાયરે ડોટ બોલ આપીને સ્પષ્ટપણે ભૂલ કરી હતી.

નિર્ણયની અસર અને અન્ય વિવાદો 

જ્યારે આ ઘટના બની ત્યારે માઝ સદાકત 56 રન પર રમી રહ્યો હતો. જીવનદાન મળ્યા બાદ તેણે 47 બોલમાં અણનમ 79 રન ફટકારીને પાકિસ્તાનને સરળતાથી જીત અપાવી. આ સિવાય પણ, મેચમાં આશુતોષ શર્માને ખોટો LBW આપવા અને રિપ્લેના સારા એંગલ ન મળવાને કારણે રમનદીપ સિંહના રનઆઉટ જેવા અન્ય વિવાદાસ્પદ નિર્ણયો પણ જોવા મળ્યા હતા. આ હાર બાદ, ભારત-A માટે હવે 18 નવેમ્બરે ઓમાન સામેની મેચ 'કરો યા મરો' જેવી બની ગઈ છે.

Tags :