વિશ્વના સૌથી વૃદ્ધ 114 વર્ષીય મેરેથોન દોડવીર ફૌજા સિંહનું અકસ્માતમાં મોત, અજાણ્યા વાહને મારી ટક્કર
Fauja Singh Died News : મેરેથોન દોડવીર ફૌજા સિંહનુ સોમવારે પંજાબના જલંધર જિલ્લામાં તેમના પૈતૃક ગામે લટાર મારવા નીકળતી વખતે અજાણ્યા વાહનથી ટક્કર થઇ હતી. જેના કારણે તેમનું મોત નીપજ્યું. તે 114 વર્ષના હતા. તેમના નિધનની પુષ્ટી લેખક ખુશવંત સિંહે કરી હતી જેમણે ફૌજા સિંહના પરિવારના સભ્યો સાથે વાતચીત પણ કરી હતી.
પંજાબના રાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું
પંજાબના રાજ્યપાલ તથા ચંડીગઢના વહીવટી શાસક ગુલાબ ચંદ કટારિયાએ ફૌજા સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યું હતું. તેમણે X પર લખ્યું કે મેરેથોન દોડવીર અને દૃઢતાના પ્રતીક સરદાર ફૌજા સિંહના નિધનથી મોટી ક્ષતિ થઈ છે. તેમનો વારસો નશામુક્ત પંજાબ માટે પ્રેરણા બની રહેશે. ઓમ શાંતિ ઓમ...
#WATCH | Jalandhar, Punjab | Marathon runner Fauja Singh dies in a road accident.
— ANI (@ANI) July 15, 2025
Thana Incharge HP Preet Singh says, "We received information that Fauja Singh has died. We have come to the hospital...We have registered a case under the relevant sections...The accident happened… pic.twitter.com/bVEl6bpcqi
ફૌજા સિંહનો જન્મ 1 એપ્રિલ 1911 ના રોજ પંજાબના જલંધર જિલ્લાના બિયાસ પિંડમાં થયો હતો. તેમણે 90 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે મેરેથોન દોડવાની શરૂઆત કરી હતી. આ ઉંમરે મેરેથોન દોડવાના તેમના નિર્ણયથી લોકો આશ્ચર્યચકિત થયા હતા. તેમની હિંમત અને દૃઢ નિશ્ચયને કારણે, ફૌજા સિંહ 'ટર્બન્ડ ટોર્નેડો' તરીકે પ્રખ્યાત થયા. આ નામે તેમની બાયોગ્રાફી પણ બની છે.
ફૌજા સિંહે 90 વર્ષની ઉંમરે પોતાની પહેલી મેરેથોન પૂર્ણ કરી હતી. 2004માં, તેમણે 93 વર્ષની ઉંમરે લંડન મેરેથોન પૂર્ણ કરી હતી. 2011 માં, 100 વર્ષની ઉંમરે, તેમણે ટોરોન્ટો મેરેથોન પૂર્ણ કર્યું હતું અને 100+ કેટેગરીમાં રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર હતા.