Photo from X |
T20 World Cup : ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં, પણ સેમિફાઈનલમાં અમ્પાયરના નિર્ણયથી મોટો વિવાદ થયો છે. ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલમાં પહોંચી ગઈ છે. બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને બહાર કરી દીધું છે. જોકે, આ જીતની સાથે મેચમાં બનેલી એક વિવાદાસ્પદ ઘટનાએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.
શું હતો એ વિવાદ? અમ્પાયર નીતિન મેનન નિશાના પર
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 8મી ઓવરમાં આ વિવાદ સર્જાયો હતો. રચિન રવીન્દ્રની ઓવરના ચોથા બોલ પર દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ હવામાં ઊંચો ગયો અને લોંગ-ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા ડેરીલ મિશેલે દોડીને કેચ પકડ્યો હતો.
શંકાસ્પદ કેચ
મિશેલ પોતે પણ આ કેચ અંગે પૂરો આત્મવિશ્વાસ ધરાવતો નહોતો. ઓન-ફિલ્ડ અમ્પાયરોને પણ શંકા જતાં નિર્ણય થર્ડ અમ્પાયર નીતિન મેનન પાસે મોકલવામાં આવ્યો હતો. રિપ્લેમાં કેચ ક્લીન હોવાનું સ્પષ્ટ જણાતું ન હોવા છતાં, થર્ડ અમ્પાયર નીતિન મેનન દ્વારા માર્કરામને આઉટ જાહેર કરવામાં આવતા મેદાન પર અને ડ્રેસિંગ રૂમમાં આશ્ચર્ય ફેલાયું હતું. આફ્રિકા માટે આ એક મોટો ઝટકો સાબિત થયો.
ફિન એલનનું 33 બોલમાં તોફાન
મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ માર્કો યાનસેનની અણનમ 54 રનની ઈનિંગને સહારે 169 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે આ લક્ષ્યાંક મામૂલી સાબિત થયો. ઓપનર ફિન એલને માત્ર 33 બોલમાં અણનમ 100 રન ફટકારીને ટી20 વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી નોંધાવી દીધી હતી. કિવી ટીમે માત્ર 12.5 ઓવરમાં 173/1 રન બનાવીને શાનદાર વિજય મેળવ્યો હતો.
દક્ષિણ આફ્રિકાનો ફરીથી ધબડકો
હંમેશની જેમ 'ચોકર્સ'નું ટેગ દક્ષિણ આફ્રિકાની પાછળ રહ્યું. ક્વિન્ટન ડી કોક અને રયાન રિકલ્ટન બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. માર્કરામે ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો પણ વિવાદાસ્પદ કેચને કારણે તેમની ઇનિંગનો અંત આવ્યો અને આફ્રિકાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું. હવે ન્યૂઝીલેન્ડની ટીમ 8 માર્ચે અમદાવાદમાં રમાનારા ફાઈનલ જંગ માટે તૈયાર છે.


