NZ vs SA : ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું, હવે ફાઈનલમાં ભારત સામે થશે ટક્કર
NZ vs SA Semi Final Match : આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રને હરાવ્યું છે. હવે ન્યૂઝીલેન્ડની ટક્કર ફાઈનલ મેચમાં ભારત સામે થશે. ન્યૂઝીલેન્ડે નિર્ધારીત 50 ઓવરમાં 6 વિકેટે 362 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 312 રનમાં નોંધાવ્યા છે. આજની મેચમાં રચિન રવિન્દ્ર, કેન વિલિયમસનની સદીના કારણે ન્યૂઝીલેન્ડ મસમોટો સ્કોર ખડકવામાં સફળ થયું છે. જ્યારે ડ્રેયલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ફિફ્ટી ચુકી ગયા છે. ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર ખડક્યો છે.
ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને તોડ્યો રેકોર્ડ
ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર ખડક્યો છે. ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો છે. વર્તમાન ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વિકેટે 356 રન બનાવી મેચ જીતી હતી. આજે ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે અને હવે ફાઈનલ મેચમાં તેનો મુકાબલો ભારત સામે થશે. ફાઈનલ મેચ 9મી માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
બંને ટીમો વચ્ચેનો રેકોર્ડ
વન-ડે ક્રિકેટમાં સાઉથ આફ્રિકને હંમેશા ન્યૂઝીલેન્ડ જોરદાર ટક્કર આપી છે. બંને વચ્ચે આજની મેચ સાથે કુલ 74 મેચ રમાઈ છે, જેમાં સાઉથ આફ્રિકાએ 42 મેચ અને ન્યૂઝીલેન્ડે 27 મેચ જીતી છે. પાંચ મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો બે વખત ટકરાઈ હતી, જેમાં બંને એક-એક વખત જીત્યા હતા. જો આઈસીસી ટૂર્નામેન્ટની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા સામે ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને ટીમે વન-ડે વર્લ્ડ કપમાં કુલ 9 વખત સામે-સામે મેચ રમ્યા છે, જેમાં ન્યૂઝીલેન્ડે છ મેચ અને દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચ જીતી છે.
રવિન્દ્ર-વિલિયમસનની સદી
ન્યૂઝીલેન્ડ તરફથી ધમાકેદાર બેટિંગ કરનાર રચિન રવિન્દ્રએ 101 બોલમાં એક સિક્સ અને 13 ફોર સાથે 108 રન નોંધાવ્યા છે. જ્યારે કેન વિલિયમસને 94 બોલમાં બે સિક્સ અને 10 ફોર સાથે 102 રન નોંધાવ્યા છે.
મિચેલ-ફિલિપ્સ ફિફ્ટી ચુક્યા
ન્યૂઝીલેન્ડના બે ખેલાડી ફિફ્ટી ચુકી ગયા છે. ડ્રેયલ મિચેલ 37 બોલમાં એક સિક્સ અને એક ફોર સાથે 40 રને અને ગ્લેન ફિલિપ્સ 27 બોલમાં એક સિક્સ અને 6 ફોર સાથે 49 રને ફિફ્ટી ચુક્યો છે. જ્યારે અન્ય બેટરોની વાત કરીએ તો ઓપનિંગમાં આવેલા વિલ યોંગે 23 બોલમાં 21 રન, ટોમ લાથમે પાંચ બોલમાં ચાર રન, મિચેલ બ્રેશવેલે 12 બોલમાં 16 રન અને મિશેલ સ્ટનરે એક બોલમાં અણનમ બે રન નોંધાવ્યા છે.
નગીડીની ત્રણ વિકેટ
સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ લુંગી નગીડીએ ત્રણ વિકેટ ઝટપી છે. જ્યારે કાગીસો રબાડાએ બે વિકેટ અને વેઈન મુલ્ડેરે એક વિકેટ ઝડપી છે.
મિલરની સેન્ચ્યુરી, બાવુમા-ડુસેનની હાફ સેન્ચ્યુરી
સાઉથ આફ્રિકા તરફથી ઓપનિગંમાં આવેલા રેયાન રિકલ્ટને 12 બોલમાં 17 રન નોંધાવ્યા હતા. જ્યારે કેપ્ટન ટેમ્બા બાવુમાએ લડાયક બેટીંગ કરીને 71 બોલમાં એક સિક્સ અને ચાર ફોર સાથે 56 રન અને રાસી વાન ડેર ડુસેને 66 બોલમાં બે સિક્સ અને ચાર ફોર સાથે 69 નોંધાવ્યા હતા. જ્યારે એડન માર્કરામે 31, હેનરિક ક્લાસેને 3 રન, ડેવિડ મિલરે 100 રન, વિઆન મુલ્ડરે 8 રન, માર્કો જેન્સેને 3 રન, કેશવ મહારાજે 3 રન, કાગીસો રબાડાએ 16 રન અને લુંગી એનગીડીએ 1 રન નોંધાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે લીધી 3 વિકેટ
- મેટ હેનરી - 2
- કાયલ જેમ્સન - 0
- વિલિયમ ઓ'રોર્ક - 0
- માઈકલ બ્રેસવેલ - 1
- મિશેલ સેન્ટનર - 3
- રચિન રવિન્દ્ર - 1
- ગ્લેન ફિલિપ્સ - 3
ન્યૂઝીલેન્ડની ટીમ : ડેરેલ મિશેલ, વિલ યંગ, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમ્સન, મેટ હેનરી અને વિલિયમ ઓ'રોર્ક.
સાઉથ આફ્રિકાની ટીમ : રેયાન રિકલ્ટન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, એડન માર્કરામ, વિઆન મુલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી એનગીડી.