નો હેન્ડશેક: મહિલા વર્લ્ડકપમાં પણ પાકિસ્તાનની ફજેતી, હરમનપ્રીતે ફાતિમા સાથે ન મિલાવ્યો હાથ
Women World Cup 2025: મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ફરી એકવાર બંને દેશોના ખેલાડીઓ વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા. એટલું જ નહીં, ટોસ સમયે બંને કેપ્ટનો વચ્ચે કોઈ વાતચીત પણ થઈ નહોતી.
ટીમમાં ફેરફાર અને ભારતનો દમદાર રેકોર્ડ
આ મહત્વની મેચ માટે બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં એક-એક ફેરફાર કર્યો છે. ભારતે અમનજોતની જગ્યાએ રેણુકા ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી છે. જ્યારે પાકિસ્તાને ઓમૈમા સોહેલની જગ્યાએ સદાફ શમાસને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. મહત્વનું છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ODI ઈતિહાસમાં પાકિસ્તાન સામે પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમાઈ છે, અને તે બધી જ મેચ ભારતીય ટીમે જીતી છે. પાકિસ્તાન હજી સુધી ભારત સામે ODI જીતવા માટે ઝંખી રહ્યું છે.
પાકિસ્તાની ખેલાડીઓથી અંતર
ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાની ટીમથી અંતર રાખવાની આ ઘટના પહેલી નથી. આ વર્ષે 22મી એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારથી જ બંને દેશોના ખેલાડીઓ વચ્ચે તણાવ વધ્યો છે.
એશિયા કપ 2025માં ટ્રોફી વિવાદ
ઉલ્લેખનીય છે કે, 14મી સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2025માં જ્યારે ભારત અને પાકિસ્તાનની પુરુષ ક્રિકેટ ટીમ પહેલીવાર સામસામે આવી હતી, ત્યારે પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. પુરુષ ટીમે સમગ્ર એશિયા કપ દરમિયાન પાકિસ્તાનીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ફાઇનલ જીત્યા બાદ પણ ટીમે ACC અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી તરીકે પણ સેવા આપે છે અને તે ભારત વિરુદ્ધ આકરા નિવેદનો માટે જાણીતા છે.