Get The App

ગોવિંદાના 'જમાઈ' ને આવ્યો ગુસ્સો, મેદાનમાં જ બાખડી પડ્યો આ ખેલાડી સાથે, જુઓ VIDEO

Updated: Dec 12th, 2024

GS TEAM

Google News
Google News
Nitish Rana and Ayush Badoni Fight


Nitish Rana and Ayush Badoni Fight: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચો સમાપ્ત થઈ ગઈ છે. બરોડા, મધ્યપ્રદેશ, મુંબઈ અને દિલ્હીની ટીમોએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. બુધવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન નીતિશ રાણા અને કેપ્ટન આયુષ બદોની વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લાઈવ મેચમાં થઈ બોલાચાલી 

આ ઘટના સૈયદ મુશ્તાક અલીની દિલ્હી ઇનિંગ દરમિયાન બની હતી. દિલ્હીની ઈનિંગ દરમિયાન ઉત્તર પ્રદેશનો ખેલાડી નીતિશ રાણા બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે દિલ્હીનો કેપ્ટન આયુષ બદોની ક્રિઝ પર હતો. તેણે નીતીશની ઓવરમાં શોટ રમ્યો અને એક રન લઈને નોન-સ્ટ્રાઈક પર પહોંચી ગયો. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતીશ રાણાએ આ લડાઈ શરૂ કરી અને પછી બદોનીએ પણ જવાબ આપવામાં પીછેહઠ કરી નહીં. આ પછી સ્થિતિ વધુ બગડતી જોઈને અમ્પાયરે હસ્તક્ષેપ કરીને મામલો શાંત પાડ્યો હતો.

અગાઉ પણ નીતિશ રાણાની જૂના ખેલાડી સાથે થઈ હતી ટક્કર

આયુષ બદોની અને નીતિશ રાણા જૂના મિત્રો છે. નીતિશ રાણા પહેલા માત્ર દિલ્હીની ટીમ માટે જ રમતો હતો અને કેપ્ટન પણ હતો. પરંતુ 2023માં તેણે યુપી તરફથી રમવાનું નક્કી કર્યું હતું. તેમજ આ પ્રથમ વખત નથી જ્યારે તે તેના જૂના ખેલાડી સાથે લડ્યો હોય. આ પહેલા તેની IPL 2023 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના રિતિક શૌકીન સાથે પણ ટક્કર થઈ હતી. 

આ પણ વાંચો: વિરાટ સાથે ઝઘડનાર બોલરે 13 બોલની ઓવર ફેંકી, એમાય 6 વાઈડ નાખ્યા, ટીમને મેચ હરાવી દીધી!

દિલ્હીની ટીમ જીતી હતી

બંને ટીમ વચ્ચે રમાયેલી આ મેચમાં ઉત્તર પ્રદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એવામાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. આ દરમિયાન અનુજ રાવતે 33 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે પ્રિયાંશ આર્યએ 44 અને યશ ધુલે 42 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ યુપીની ટીમ 19.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નીતિશ રાણા 3 બોલમાં માત્ર 2 રન બનાવી શક્યો હતો.

Tags :