મોહસીન નકવીની ઘરમાં જ ટીકા, શાહીદ આફ્રિદીએ કહ્યું - તેમને ક્રિકેટની સમજ નથી, રાજીનામું આપે
Asia Cup 2025 Trophy Controversy: એશિયા કપ ટ્રોફી વિવાદ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના અધ્યક્ષ અને ગૃહમંત્રી મોહસીન નકવી પર દબાણ વધ્યું છે. ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ તેમને બે મુખ્ય પદ પૈકી એક પરથી રાજીનામું આપવા અપીલ કરી છે. આફ્રિદીએ નકવી પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, નકવી બંને જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયા છે અને પાકિસ્તાન ક્રિકેટને સમય અને ધ્યાનની જરૂર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ એશિયા કપ ટ્રોફી વિવાદ બાદ નકવીને સલાહ આપી છે કે, તમે બેમાંથી ગમે-તે એક પદ પરથી રાજીનામું આપી દો. આ મામલો જટિલ છે, કારણકે, નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ(એસીસી)ના અધ્યક્ષ પણ છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ નકવીના હસ્તે ટ્રોફી અને મેડલ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જેથી નકવી ગુસ્સે થયા હતા, અને ટ્રોફી-મેડલ પોતાની સાથે લઈ ગયા હતા. બીસીસીઆઇ દ્વારા ટ્રોફીની માગ કરવામાં આવી હોવા છતાં નકવી તે ટીમ ઇન્ડિયાને સોંપી રહ્યા નથી.
આ પણ વાંચોઃ 'ટ્રોફી વિવાદને ટાળી શકાયો હોત...' પાકિસ્તાની મંત્રીના નેતૃત્વ હેઠળની ACCએ માફી માગી
નકવી જવાબદારી નિભાવવામાં નિષ્ફળઃઆફ્રિદી
સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં આફ્રિદીએ કહ્યું કે, નકવીને મારી સલાહ છે કે તમે બે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળી રહ્યા છો અને બંને મહત્ત્વપૂર્ણ કાર્યો છે. જેને સમયની જરૂર છે. પીસીબી સંપૂર્ણપણે અલગ છે, અને ગૃહ મંત્રાલય પણ. આથી બંનેનું સંચાલન પણ અલગ રીતે કરવું જોઈએ. ટ્રોફી મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.
વધુમાં આફ્રિદીએ કહ્યું, પાકિસ્તાનની ક્રિકેટને ખાસ ધ્યાન અને સમયની જરૂર છે. નકવી સંપૂર્ણપણે તેમના સલાહકારો પર નિર્ભર છે. આ સલાહકારો તેમને ક્યાંય લઈ જઈ રહ્યા નથી, અને નકવી પોતે સ્વીકારે છે કે તેઓ ક્રિકેટ વિશે કંઈ ખાસ જાણતા નથી. તેમને રમતને સમજનારા સારા અને જાણકાર સલાહકારોની જરૂર છે.
પદ છોડી દોઃ આફ્રિદી
આફ્રિદીએ આ મુદ્દે અનેક વખત વિરોધ દર્શાવ્યો છે. પરંતુ તેના વિરોધને અવગણવામાં આવ્યો છે. તેણે નિવેદન આપ્યું હતું કે, મેં દેશના સેના પ્રમુખને પણ કહ્યું હતું કે, નકવીએ એક પદ છોડી દેવું જોઈએ. જેથી તેઓ બીજા પદ પર સંપૂર્ણપણે ધ્યાન આપી શકે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે ટીમ ઇન્ડિયાએ એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે પાંચ વિકેટે જીત મેળવી હતી. જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ એસીસી ચીફ મોહસીન નકવીના હસ્તે ટ્રોફી લેવાનો ઇન્કાર કરતાં આ વિવાદ સર્જાયો હતો.