બુમરાહનો રેકોર્ડ બ્રેક કરી છવાયો મોહમ્મદ સિરાજ, આ મામલે બન્યો નંબર-1 એશિયન બોલર
Mohammed Siraj broke Jasprit Bumrah Record: ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી. પહેલી ઈનિંગમાં ટીમ માત્ર 224 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. જોકે, બોલરોએ શાનદાર વાપસી કરી. મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઈને જસપ્રીત બુમરાહનો એક ખાસ રેકોર્ડ તોડી નાખ્યો.
ઈંગ્લેન્ડમાં સૌથી વધુ 4 વિકેટ લેનારો નંબર-1 એશિયન બોલર બન્યો સિરાજ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો છેલ્લો અને પાંચમો મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બોલિંગ જોરદાર રહી હતી. સિરાજે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી અને ટીમને 247 રન પર જ ઓલઆઉટ કરવામાં મદદ કરી. આ 4 વિકેટ સાથે સિરાજ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર તો બન્યો જ પણ તે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ 4 વિકેટ લેનારો નંબર-1 એશિયન બોલર પણ બની ગયો છે.
સિરાજે છઠ્ઠી વાર આ સિદ્ધિ મેળવી
આ બાબતમાં મોહમ્મદ સિરાજે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધી, બુમરાહે ઈંગ્લેન્ડમાં પાંચ વખત એક ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી છે. જ્યારે સિરાજે છઠ્ઠી વાર આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ સિરાજે શ્રીલંકાના દિગ્ગજ બોલર મુથૈયા મુરલીધરન અને પાકિસ્તાનના વકાર યુનુસના રેકોર્ડની પણ બરાબરી કરી છે. આ બંને બોલરોએ પણ ઈંગ્લેન્ડની ધરતી પર છ-છ વખત ચાર વિકેટ ઝડપી છે.
ઈંગ્લેન્ડ ટેસ્ટમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપનારા (એશિયન બોલરો)
6 વાર - મોહમ્મદ સિરાજ*
6 વાર - મુથૈયા મુરલીધરન
6 વાર - વકાર યુનિસ
5 વાર - જસપ્રીત બુમરાહ
5 વાર - મોહમ્મદ આમિર
5 વાર - યાસિર શાહ
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડ ફક્ત 247 રન જ બનાવી શક્યું હતું. મોહમ્મદ સિરાજ ઉપરાંત, ભારત માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 4 વિકેટ લીધી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે બીજા ઇનિંગમાં 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ અડધી સદી ફટકાર્યા બાદ ક્રીઝ પર છે.