Mohammed Shami T20 Records IPL: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લા એક વર્ષથી વ્હાઇટ બોલ ક્રિકેટ (T20 અને ODI) થી બહાર છે. વનડેમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવતા શમીને T20 ફોર્મેટ માટે લાયક ગણવામાં નહી આવતા હવે તેમણે મૌન તોડ્યું છે. એક પોડકાસ્ટમાં શમીએ પસંદગીકારો અને સિસ્ટમ સામે પોતાનો રોષ ઠાલવ્યો છે.
શમીનો સવાલ રેકોર્ડ જોઈ લો, શું હું T20 બોલર નથી?
એક પોડકાસ્ટમાં મોહમ્મદ શમીએ આક્રમક અંદાજમાં કહ્યું કે, "છેલ્લા 5-6 વર્ષનો રેકોર્ડ ઉઠાવીને જોઈ લો. જો કોઈ ભારતીય બોલર મારી આસપાસ પણ હોય (IPL માં પણ), તો પણ મને T20 બોલર કેમ નથી ગણવામાં આવતો? મેં લગભગ 130 જેટલી વિકેટ લીધી છે, એક બોલર પાસેથી બીજું તમે શું અપેક્ષા રાખો છો?" જ્યારે હોસ્ટે પૂછ્યું કે, "શું તમે PR (પબ્લિક રિલેશન્સ) પાછળ પૈસા ખર્ચ નથી કરતા એટલે આવું થાય છે?"
ત્યારે શમીએ ટૂંકો પણ સૂચક જવાબ આપતા કહ્યું, "કદાચ હોઈ શકે છે."
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના હીરો છતાં ટીમથી બહાર
મોહમ્મદ શમીએ ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ રમી હતી. જેમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારત વિજેતા બન્યું હતું. આ ટુર્નામેન્ટમાં શમી સંયુક્ત રીતે ભારતનો સૌથી સફળ બોલર હતો. આટલા શાનદાર પ્રદર્શન અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા ફોર્મ છતાં તેમને એશિયા કપ કે T20 વર્લ્ડ કપના સ્ક્વોડમાં જગ્યા મળી નથી.
IPL માં દબદબો પણ ગત સિઝન નબળી રહી
શમીનો IPL રેકોર્ડ તેમની ક્ષમતાની સાક્ષી પૂરે છે કે, 2019 થી 2021 (પંજાબ કિંગ્સ): સતત 19-20 વિકેટ ઝડપી.
2022-2023 (ગુજરાત ટાઇટન્સ): 2022માં 20 વિકેટ અને 2023માં 28 વિકેટ સાથે પર્પલ કેપ જીતી.
2025 (SRH): ગત સિઝન હૈદરાબાદ માટે નબળી રહી, જ્યાં 9 મેચમાં માત્ર 6 વિકેટ મળી હતી.
ભવિષ્ય પર સંકટના વાદળ?
હાલમાં શમી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) નો હિસ્સો છે. 35 વર્ષની ઉંમરે પહોંચેલા શમી માટે હવે 2027 ના વનડે વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. પસંદગીકારોના વલણ અને શમીના આ ખુલાસાએ ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે કે શું ખરેખર પ્રતિભા કરતા PR ગેમ ટીમમાં સ્થાન નક્કી કરે છે?


