Get The App

જો હું દુલીપ ટ્રોફી માટે ફીટ છું તો એશિયા કપ માટે કેમ નહીં...', મોહમ્મદ શમીનું દર્દ છલકાયું

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
જો હું દુલીપ ટ્રોફી માટે ફીટ છું તો એશિયા કપ માટે કેમ નહીં...', મોહમ્મદ શમીનું દર્દ છલકાયું 1 - image


Mohammed Shami: ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એશિયા કપ 2025 ટીમમાં સ્થાન ન મળવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે પાંચ બોલરોની પસંદગી કરી છે, જેમાંથી ત્રણ ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહની આગેવાનીમાં રહેશે, પરંતુ શમીને ટીમ અને રિઝર્વ બંનેમાંથી બહાર રાખવામાં આવ્યો છે. શમીને એશિયા કપ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ફિટનેસને કારણે બહાર થઈ ગયો છે.

પરંતુ હવે શમીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે એકદમ ફીટ છે અને દુલીપ ટ્રોફી રમવા માટે તૈયાર છે. આ દરમિયાન તેણે BCCI સિલેક્ટર્સને પણ આડે હાથ લીધા. 

મોહમ્મદ શમીનું દર્દ છલકાયું

વાસ્તવમાં ભારતીય બોલર મોહમ્મદ શમીએ એશિયા કપ 2025 ટીમમાં સ્થાન ન મળવા પર પોતાનું મૌન તોડ્યું છે. આ વખતે ટીમ ઈન્ડિયાએ પાંચ સ્પેશિયાલિસ્ટ બોલરોની પસંદગી કરી છે, જેમાં ત્રણ બોલર જસપ્રીત બુમરાહની આગેવાનીમાં સામેલ છે. પરંતુ શમીને ન તો મુખ્ય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે અને ન તો તેને રિઝર્વ ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે.

તમને જણાવી દઈએ કે, શમી આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ T20 સીરિઝમાં લગભગ ત્રણ વર્ષ પછી ફોર્મેટમાં વાપસી કરી હતી. જોકે, રાજકોટમાં વાપસી મેચમાં તેને કોઈ સફળતા નહોતી મળી, પરંતુ મુંબઈમાં રમાયેલી મેચમાં તેણે ત્રણ વિકેટ ખેરવી હતી. 

આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શમીનું પ્રદર્શન ફ્લોપ રહ્યું હતું. તેણે 9 મેચમાં માત્ર 6 વિકેટ ખેરવી હતી અને તેનો ઈકોનોમી રેટ 11.23 રહ્યો હતો. આ દરમિયાન તેને કેટલીક મેચોમાં બહાર પણ બેસવું પડ્યું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અને પછી એશિયા કપ ટીમમાંથી પણ તેને અવગણવામાં આવ્યો.

દુલીપ ટ્રોફી રમી શકું તો T20 કેમ ન રમી શકું?

ઘણા લોકો એવું માની રહ્યા હતા કે, શમીની બહાર રાખવાનો નિર્ણય ફિટનેસના કારણે લેવામાં આવ્યો, પરંતુ શમીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે દુલીપ ટ્રોફઈ રમવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે, 'હું મારી પસંદગી ન થવા બદલ કોઈને દોષ નથી આપતો. જો હું ટીમ માટે યોગ્ય હોઉં તો મને પસંદ કરો, જો નહીં તો કોઈ સમસ્યા નથી. સિલેક્ટર્સની જવાબદારી છે કે, ટીમ ઈન્ડિયા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે. મને મારી ક્ષમતા પર વિશ્વાસ છે કે જ્યારે પણ મને તક મળશે, હું મારું શ્રેષ્ઠ આપીશ. હું સખત મહેનત કરી રહ્યો છું.' જ્યારે શમીને પૂછવામાં આવ્યું કે, 'શું તમે એશિયા કપ રમવા માટે ફીટ હતા? તેના જવાબમાં શમીએ કહ્યું કે, જો હું દુલીપ ટ્રોફી રમી શકું તો T20 કેમ ન રમી શકું?'

આ પણ વાંચો: 'વિરાટ કોહલી શ્રેષ્ઠ વિદાયનો હકદાર હતો, હજુ તેની પાસે...', BCCIના વલણ સામે ઊઠ્યાં સવાલ

બીજી તરફ શમીએ પોતાના IPL ફ્યૂચર અને ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃતિને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. જ્યારે શમીને પૂછવામાં આવ્યું કે, શું શમી IPL 2026માં SRH (સનરાઈઝર્સ હૈદરાબાદ)ને છોડીને કોઈ અન્ય ટીમ માટે રમશે? તેના પર પણ શમીએ જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે,  IPL 2025 સિઝનમાં શમીને SRHએ 10 કરોડમાં ખરીદ્યો હતો. જ્યાં તે નવ મેચ રમી અને 56.16ની એવરેજથી માત્ર છ વિકેટ લઈ શક્યો હતો. એકંદરે તેનું પ્રદર્શન ફ્લોપ રહ્યું હતું. 

IPL ક્રિકેટનો ઉત્સવ

IPL મીની ઓક્શનના મહિનાઓ અગાઉથી જ શમીને ખાતરી નથી કે SRH તેને રિટેન કરશે કે નહીં. આ વચ્ચે એક ઈન્ટરવ્યુંમાં શમીએ કહ્યું કે, હું આગામી IPLમાં કોઈપણ ફ્રેન્ચાઇઝી માટે રમવા માટે તૈયાર છું. જે કોઈ તમારા માટે બોલી લગાવે છે, તેની સાથે જતા રહો, મારા હાથમાં કંઈ નથી. આ IPL છે, જે ક્રિકેટનો ઉત્સવ છે.' શમી IPLમાં 5 ફ્રેન્ચાઈઝી માટે રમ્યો છે, જ્યાં તેણે 119 મેચોમાં 133 વિકેટ ખેરવી છે.

કોઈને તકલીફ હોય તો મને કહે

બીજી તરફ શમીએ ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેવા પર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા અંગે પણ જવાબ આપ્યો. શમીએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જો કોઈને કોઈ તકલીફ હોય તો મને કહો, જો હું નિવૃત્તિ લઈશ તો કોનું જીવન સારું બનશે? તેણે આગળ કહ્યું કે, શું હું કોઈના જીવનનો પથ્થર બની ગયો છું કે મારે નિવૃત્તિ લઈ લેવી જોઈએ? જે દિવસે હું કંટાળી જઈશ, હું રમત છોડી દઈશ. તમે મને પસંદ ન કરો, મને ન રમાડો, તેનાથી મને કોઈ ફરક નથી પડતો, પરંતુ હું સખત મહેનત કરતો રહીશ. શમીએ ભારપૂર્વક કહ્યું કે, જો મને આંતરરાષ્ટ્રીય મેચો માટે પસંદ ન કરવામાં આવે તો હું ઘરેલુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ. 

તેણે આગળ કહ્યું કે, હું ક્યાંકને ક્યાંક રમતો રહીશ, નિવૃત્તિ અને આવા નિર્ણયો ત્યારે લેવામાં આવે છે જ્યારે તમને કંટાળો આવવા લાગે છે, જ્યારે તમે ટેસ્ટ મેચ માટે સવારે 7 વાગ્યે ઉઠવા નથી માગતા.

Tags :