Get The App

ટેસ્ટમાં મોહમ્મદ શમીની વાપસી પર સંકટના વાદળ! દુલિપ ટ્રોફીમાં રમવાની અંતિમ તક

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
ટેસ્ટમાં મોહમ્મદ શમીની વાપસી પર સંકટના વાદળ! દુલિપ ટ્રોફીમાં રમવાની અંતિમ તક 1 - image


Mohammed Shami: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે સ્ટાર બોલર મોહમ્મદ શમીની આ ફોર્મેટમાં વાપસી પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. તાજેતરમાં જ જ્યારે તે સનરાઇઝર્સ હૈદરાબાદના નેટ્સમાં એક તરફ રેડ બોલ અને બીજી તરફ વ્હાઈટ બોલ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો ત્યારે થોડી આશા જાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સીરિઝમાં તેની વાપસી થઈ શકે છે. પરંતુ તેને ટીમમાં સામેલ કરવામાં નહોતો આવ્યો. આ જ કારણ છે કે હવે તેની ટેસ્ટ કારકિર્દી પર સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ તેની ફિટનેસ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

ઈંગ્લેન્ડ સીરિઝ માટે શમીની પસંદગી કેમ ન કરાઈ?

એક અહેવાલ પ્રમાણે BCCIના એક અધિકારીએ ખુલાસો કર્યો છે કે, અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટી ઈંગ્લેન્ડ સીરિઝ માટે શમીના અનુભવને મહત્વપૂર્ણ માનતી હતી. તે પણ એવા સમયે જ્યારે વર્કલોડ મેનેજમેન્ટને કારણે જસપ્રીત બુમરાહના માત્ર 3 ટેસ્ટ રમવાની અપેક્ષા હતી. પરંતુ જ્યારે બોર્ડના અધિકારીઓએ શમીનો સંપર્ક કર્યો, ત્યારે તે પોતાની ફિટનેસને લઈને કોન્ફિડન્ટ નહોતો. તેના જવાબથી પસંદગીકારો મૂંઝવણમાં મુકાયા, તેમને સ્પષ્ટતા ન મળી અને તેથી શમીની પસંદગી કરવામાં ન આવી.

BCCIના અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, શમીને તેના ફોર્મને કારણે પસંદ કરવામાં ન આવ્યો. ફિટનેસ જ એકમાત્ર કારણ છે જેના કારણે તે ઈંગ્લેન્ડ નહોતો જઈ શક્યો. બોર્ડના અધિકારીએ વધુમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં ન રમ્યા બાદ ઈંગ્લેન્ડ સીરિઝમાં તેની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. સિલેક્ટર્સે ટીમ ફાઈનલ કરતા પહેલા તેની સાથે પણ વાત કરી હતી. પરંતુ તે વધુ આશ્વસ્ત ન દેખાયો. તેનામાં તે આત્મવિશ્વાસ નહોતો જે તેને જોઈતો હતો.

અધિકારીએ એમ પણ કહ્યું કે ઉંમર શમીને સાથ નથી આપી રહી. બોર્ડ આ બાબત પર સ્પષ્ટ છે કે, હવે ટેસ્ટ જેવા ફોર્મેટ માટે એવા ફાસ્ટ બોલરોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમની પાસે હજુ 7-8 વર્ષનું ક્રિકેટ બાકી છે અને એવા બોલરોને નહીં જે ટૂંક સમયમાં 35 વર્ષના થઈ જશે.

શમી પાસે અંતિમ તક

અહેવાલ પ્રમાણે શમી 28 ઓગસ્ટથી શરૂ થનારી દુલિપ ટ્રોફીમાં રમશે. તે ઈસ્ટ ઝોન તરફથી રમતો જોવા મળશે. સિલેક્ટર્સનું માનવું છે કે, વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરિઝ પહેલા તેની ફિટનેસ અને ફોર્મ ચકાસવાની આ એક મહત્વપૂર્ણ તક છે. ટીમનો પહેલો મુકાબલો બેંગલુરુમાં નોર્થ ઝોન સામે રમાશે. શમી સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ સૂત્રએ જણાવ્યું કે, શમી પહેલી મેચ રમશે તેવી પૂરી શક્યતા છે. તે અમરોહામાં પોતા ઘરે સ્થિત એકેડેમીમાં તૈયારી કરી રહ્યો છે.

અહેવાલમાં BCCIના એક આંતરિક સૂત્રના હવાલે કહેવામાં આવ્યું છે કે, જો શમી નોર્થ ઝોન સામે સારું પ્રદર્શન કરે છે, તો સિલેક્ટર્સ તેના પર નજર રાખશે કારણ કે તેની ક્ષમતાને અવગણી શકાય નહીં. પરંતુ સવાલ એ છે કે જો ઈસ્ટ ઝોન ક્વાર્ટર ફાઇનલથી આગળ વધે છે, તો શું તેનું શરીર આટલી લાંબી મેચોનો ભાર સહન કરી શકશે કારણ કે રણજી ટ્રોફીમાં પણ તે 3-4 ઓવરના સ્પેલ પછી મેદાન છોડી દેતો હતો.

આવી સ્થિતિમાં દુલિપ ટ્રોફીને શમીની વાપસી માટે છેલ્લી તક તરીકે જોવામાં આવી રહી છે. જો તે પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કરવામાં અસમર્થ રહે છે, તો તેની ટેસ્ટ કારકિર્દીનો અંત આવી શકે છે. બીજી તરફ જો તે દુલીપ ટ્રોફીમાં પોતાને સાબિત કરે છે, તો તેના વાપસીનો રસ્તો ખુલી શકે છે.

શમીએ 2023માં રમી હતી છેલ્લી ટેસ્ટ

શમી 2023માં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પછી ટેસ્ટ ક્રિકેટ નથી રમ્યો. ઈજાને કારણે તે ઘણા મહિનાઓ સુધી મેદાનની બહાર રહ્યો હતો. ઓક્ટોબર 2024માં, તેણે રેડ બોલ ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા વાપસી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પોતાને સાબિત નહોતો કરી શક્યો. આ જ કારણ છે કે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો.

Tags :