Pakistan vs Bangladesh ODI: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં પાકિસ્તાની બેટર સલમાન અલી આગાના રન-આઉટને લઈને ક્રિકેટ જગતમાં મોટો વિવાદ છેડાયો છે. ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી મોહમ્મદ કૈફે આ ઘટનાને 'રમતની ભાવના' વિરુદ્ધ ગણાવી બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસન મિરાઝની આકરી ટીકા કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
પાકિસ્તાની ઇનિંગની 39મી ઓવર દરમિયાન આ અજીબોગરીબ ઘટના બની હતી. બાંગ્લાદેશી કેપ્ટન મેહદી હસન મિરાઝ બોલિંગ કરી રહ્યો હતો. સ્ટ્રાઈક પર રહેલા મોહમ્મદ રિઝવાને સીધો શોટ રમ્યો, જે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા સલમાન આગાને વાગ્યો હતો.
બોલ રોકવાના પ્રયાસમાં બોલર મેહદી હસન અને સલમાન આગા વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કરને કારણે સલમાન ક્રીઝની બહાર રહી ગયો હતો. તકનો લાભ ઉઠાવી મેહદીએ બોલ ઉપાડીને તરત જ રન-આઉટની અપીલ કરી દીધી. સલમાને દલીલ કરી હતી કે ટક્કરને કારણે તે ક્રીઝમાં પહોંચી શક્યો નહોતો, પરંતુ બાંગ્લાદેશે અપીલ પાછી ખેંચી નહીં અને ત્રીજા અમ્પાયરે નિયમ મુજબ તેને આઉટ જાહેર કર્યો.
વર્લ્ડ કપ દાવ પર હોય તો પણ આવું ન કરો: કૈફ
આ રન-આઉટથી નારાજ મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી કેપ્ટન પર નિશાન સાધ્યું છે. તેણે લખ્યું કે, 'આ બિલકુલ યોગ્ય નથી. વિકેટની ગમે તેટલી જરૂર હોય, પણ આવા રન-આઉટને ક્યારેય વાજબી ઠેરવી શકાય નહીં. યુવા ખેલાડીઓએ ખાસ યાદ રાખવું જોઈએ કે ભલે વર્લ્ડ કપ દાવ પર હોય, પણ ક્યારેય મેહદી હસને જે કર્યું તે ન કરવું જોઈએ. નિષ્પક્ષ રમત વિના, રમત રમત નથી રહેતી.'
પાકિસ્તાને મેચ જીતને સીરિઝ 1-1થી બરાબર કરી
સલમાન આગા 64 રન બનાવીને આઉટ થયા બાદ પાકિસ્તાની ઇનિંગ વેરવિખેર થઈ ગઈ હતી. પાકિસ્તાને માઝ સદકતના 75 રનની મદદથી 275 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પાકિસ્તાને 128 રનથી ભવ્ય જીત મેળવી સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચમાં આ વિવાદની અસર જોવા મળે છે કે કેમ.


