Get The App

IND vs AUS: મિચેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મહારેકૉર્ડ

Updated: Dec 6th, 2024

GS TEAM


Google News
Google News
IND vs AUS: મિચેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મહારેકૉર્ડ 1 - image

IND vs AUS, Mitchell Starc : મિચેલ સ્ટાર્કે એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 180 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર સ્ટાર્કે 48 રન આપીને છ વિકેટ લીધી હતી. આ સાથે તેણે પિંક બોલ ટેસ્ટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ સ્ટાર્કનો સામનો કરી શકી ન હતી.  

ભારતીય બેટરો સ્ટાર્ક સામે લાચાર

પહેલા દિવસે સ્ટાર્કે યશસ્વી જયસ્વાલની મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. મેચના પહેલા બોલ પર જ સ્ટાર્કે જયસ્વાલને LBW કરી આઉટ કર્યો હતો. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલે ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે 69 રનની ભાગીદારી થઈ હતી. જો કે રાહુલને આઉટ કરીને સ્ટાર્કે આ ભાગીદારી તોડી નાખી હતી. રાહુલ 37 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં હવે સ્ટાર્કે વિરાટ કોહલી, આર અશ્વિન, હર્ષિત રાણા અને છેલ્લે નીતિશ રેડ્ડીને આઉટ કર્યો હતો. રેડ્ડીની ઇનિંગને 42 રન પર રોકીને સ્ટાર્કે ભારતની પહેલી ઇનિંગને 180 રન સુધી મર્યાદિત કરી દીધી હતી.

સ્ટાર્ક બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

આ સાથે જ સ્ટાર્કે ડે-નાઈટ ટેસ્ટ મેચના ઈતિહાસમાં ચોથી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. પિંક બોલ ટેસ્ટમાં ચાર વખત આવું કરનાર તે ઇતિહાસનો પહેલો બોલર બની ગયો છે. અન્ય કોઈ પણ ખેલાડી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં બે વખતથી વધુ પાંચ વિકેટ લઈ શક્યો નથી. જોશ હેઝલવુડ, યાસિર શાહ, ટ્રેન્ટ બોલ્ટે પિંક બોલ ટેસ્ટમાં બે-બે વખત આવું કારનામું કર્યું હતું.

સ્ટાર્ક પછી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર નાથન લિયોન 

પિંક બોલ ટેસ્ટના ઈતિહાસમાં સ્ટાર્ક 71 વિકેટ લેનારો વિશ્વનો પહેલો બોલર પણ બની ગયો છે. ડે નાઈટ ટેસ્ટના ઈતિહાસમાં સ્ટાર્ક પછી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર નાથન લિયોન છે. તેના નામે 43 વિકેટ છે. તેના પછી હેઝલવુડ 37 વિકેટ સાથે ત્રીજા, પેટ કમિન્સ 34 વિકેટ સાથે ચોથા અને જેમ્સ એન્ડરસન 24 વિકેટ સાથે પાંચમા ક્રમે છે.

IND vs AUS: મિચેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મહારેકૉર્ડ 2 - image

Tags :