મીરાબાઇ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ, કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું

World Weightlifting Championships: ભારતની સ્ટાર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ ધમાકેદાર પ્રદર્શન કરતા વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે વેઇટલિફ્ટર ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ વજનની કેટેગરીમાં ભાગ લીધો હતો અને ત્રણ વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં રજત પદક જીતી લીધું છે. જણાવી દઈએ આ ચેમ્પિયનશિપમાં કુલ ત્રણ મેડલ હોય છે.
મીરાબાઇ ચાનુએ કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડયુ
મીરાબાઇ ચાનુએ પેરિસ ઓલમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકી નહોતી અને તે ચોથા સ્થાને રહી હતી. ત્યાર બાદ તેની પર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ હતું. ત્યારબાદ તેણે સારું પ્રદર્શન કરી બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું. મીરાબાઇએ સ્નેચ શ્રેણીમાં કુલ 84 કિલોગ્રામ વજન ઉપાડયું હતું. ત્યારબાદ તેણે ક્લિન એન્ડ જર્ક કેટેગરીમાં 115 કિલોગ્રામનું વજન ઉપાડ્યું હતું. આ રીતે તેણે કુલ 199 કિલોગ્રામનું વજન ઉપાડી સિલ્વર મેડલ જીતી લીધો હતો.
મીરાબાઇની દમદાર શરુઆત
મીરાબાઇ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્નેચ શ્રેણીમાં પહેલા જ પ્રયાસમાં 84 કિલોગ્રામનું વજન ઉપાડી દમદાર શરુઆત કરી હતી. કોરિયાની સોંગ-ગમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે, જેણે કુલ 213 કિલોગ્રામ (91 કિગ્રા + 122 કિગ્રા)નું વજન ઉઠાવ્યું. તે સિવાય તેણે ક્લીન એન્ડ જર્કમાં 122 કિગ્રાનો નવો વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો હતો. થાઇલૅન્ડની થાન્યાથોન સુકચારોએને 198 કિલોગ્રામ (88 કિગ્રા + 110 કિગ્રા)નું વજન ઉપાડી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.
મીરાબાઇ ચાનુ પાસે હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનુનો આ ત્રીજો મેડલ છે. તેણે અગાઉ 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને 2022માં સિલ્વર મેડલ જીત્યો હતો.

