IPL 2025 : મુંબઈની હાર, આર્ય-ઈંગ્લિશની વિસ્ફોટક બેટીંગથી પંજાબની જીત, પોઈન્ટ ટેબલમાં ગુજરાત નીચે સરક્યું
IPL 2025 MI vs PBKS : આઇપીએલ 2025ની 69મી મેચ આજે મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઇ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સની 7 વિકેટથી જીત થઇ હતી. આ જીત સાથે જ પંજાબ પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગઇ છે. ટોસ જીતીને પંજાબે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરીને મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સે 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. આ મેચ બાદ IPL 2025માં ટોપ-2નું સમીકરણ બદલાઇ ગયું છે.
મેચમાં મુંબઇનું પ્રદર્શન
પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. ઓપનર બેટર રિયાન રિકલ્ટને 20 બોલમાં 27 રન અને રોહિત શર્માએ 21 બોલમાં 24 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ત્રીજા ક્રમે સુર્યકુમાર યાદવે 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. બોલિંગમાં આજે મુંબઇના બોલર્સ કંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. પંજાબની ઇનિંગમાં મુંબઇના બોલર્સ માત્ર ત્રણ વિકેટ જ ઝડપી શક્યા હતા. જેમાંથી મિચેલ સાન્ટનરે 2 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ ઝડપી હતી.
મેચમાં પંજાબનું પ્રદર્શન
આજની મેચમાં પંજાબના બેટર્સ અને બોલર્સે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પંજાબ તરફથી પ્રિયાંશ આર્યએ 35 બોલમાં 62 રન અને જોશ ઇંગ્લીશે 42 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ બે બેટર્સની ઇનિંગના સહારે પંજાબને સરળ જીત હાંસલ થઇ હતી. આ સિવાય શ્રેયસ અય્યરે 16 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. બોલિંગમાં અર્શદીપ સિંહ, માર્કો જાન્સેન અને વિજય કુમાર વિશકે 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય હરપ્રીત બ્રારે 1 વિકેટ લીધી હતી.
IPL 2025માં ટોપ-2નું સમીકરણ
આ મેચમાં પંજાબની જીત સાથે IPL 2025માં ટોપ-2નું સમીકરણ બદલાઇ ગયું છે. પંજાબે ટોચ પર પહોંચીને ટોપ-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે RCB vs LSG મેચમાં જો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત થાય છે તો, પંજાબ અને બેંગલુરુ વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે, પરંતુ જો એ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની જીત થાય તો પંજાબ અને ગુજરાત વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે. હવે પોઇન્ટ ટેબલની સ્થિતિ પર નજર કરીએ તો, પંજાબ હાલ પહેલા ક્રમે છે ત્યાર પછી ગુજરાત, બેંગલુરુ અને મુંબઇ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે.