આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો
- ચાર વર્ષ બાદ બંને ટીમો વન ડેમાં આમને-સામને
- પાલેકલમાં બપોરે 3.00થી મેચ શરૂ થશે : વરસાદ ચાહકોની મજા પર પાણી ફેરવે તેવી આશંકા
પાલેકલ : એશિયાના બે પરંપરાગત હરિફો એવા ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એશિયા કપનો મેગા મુકાબલો આવતીકાલે શ્રીલંકાના પાલેકલમાં ખેલાશે.
વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-થીમાં સ્થાન ધરાવતી બંને ટીમો વન ડેના ફોર્મેટમાં ચાર વર્ષ બાદ આમને-સામને ટકરાવા જઈ રહી છે, ત્યારે દુનિયાભરના ચાહકોની નજર આ મુકાબલા પર મંડાઈ છે. બપોરે ૩.૦૦ વાગ્યાથી શરૂ થનારી વન ડેમાં વરસાદની આગાહીથી ચાહકો ચિંતિત બન્યા છે.
ભારતની મજબુત બેટિંગની સામે પાકિસ્તાનના ઝંઝાવાતી બોલરોના મુકાબલાને કારણે આ મેચ અંગે ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
આશરે ૩૫,૦૦૦ની પ્રેક્ષક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ચાહકોથી ચિક્કાર ભરાઈ જશે તે નક્કી છે.
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયામાં કોહલીની સાથે ગિલ, ઐયર, કિશન જેવા યુવા અને અનુભવી બેટ્સમેનોનું જબરજસ્ત કોમ્બિનેશન છે. જ્યારે પાકિસ્તાનની બોલિંગ આફ્રિદી, નસીમ શાહ તેમજ રઉફ સંભાળશે. પાકિસ્તાને મેચના એક દિવસ પહેલા જ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી હતી.
ઈજામાંથી સાજા થયા બાદ પુનરાગમન કરનારા ભારતના બુમરાહની સાથે શમીની ઘાતક બોલિંગ પાકિસ્તાનના બાબર-ઈમામ સહિતના બેટ્સમેનોને ભારે પડી શકે તેમ છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજા પણ ટીમ ઈન્ડિયાની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. જ્યારે સ્પિનર તરીકે જાડેજાની સાથે કુલદીપને સ્થાન મળે તેવી શક્યતા છે.