જૂના મિત્રએ જ ગૌતમ ગંભીરને ગણાવ્યા 'પલટૂ', જે ખેલાડીઓનો પક્ષ લેતા તેમને જ ટીમની બહાર કર્યા
Asia Cup 2025: એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થોડા દિવસો પહેલા જ થઈ ચૂકી છે. આ ટીમમાં ઘણા યુવા ખેલાડીની પસંદગી થઈ છે. પરંતુ ફોર્મમાં ચાલી રહેલા શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલને સિલેક્ટર્સે આ ટીમમાં સ્થાન ન આપતા અનેક ક્રિકેટ પ્રેમી અને ભૂતપૂર્વ ક્રિકેટર નારાજ થયા છે. હવે આ મુદ્દે ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ પણ સવાલ ઉઠાવ્યો છે.
મનોજ તિવારીની નારાજગી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ Asia Cup 2025 માટે શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન ન કરવા પર હેડ કોચ ગૌતમ ગંભીરની ટીકા કરી હતી. તિવારીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'જયસ્વાલ અને અય્યર બંને ટીમમાં જગ્યા મેળવવા માટે હકદાર હતા. આ બંનેને ટીમમાં સ્થાન આપવાનું કારણ પણ સિલેક્ટર્સ પેનલના અધ્યક્ષ અજીત અગરકરે જણાવ્યું હતું, તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, ટીમમાં તે બંનેની સામે પહેલેથી જ ઘણા અન્ય ખેલાડીઓના વિકલ્પ હોવાથી બંનેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા.'
ગંભીર પર ઉઠાવ્યા સવાલ
મનોજ તિવારીએ શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલને એશિયા કપ ટીમમાં જગ્યા ન મળવા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, બંને ખેલાડીઓ ટીમમાં સિલેક્ટ થવા માટે લાયક હતા. તિવારીએ ગૌતમ ગંભીર પર નિશાન સાધતાં કહ્યું કે, 'એક સમય હતો જ્યારે ગંભીર યશસ્વી જયસ્વાલને દરેક ફોર્મેટનો ખેલાડી માનતા હતા અને તેને ટીમથી બહાર રાખવાની વાત પણ વિચારી શકતા ન હતા. પરંતુ હવે જ્યારે ગંભીર પોતે કોચ છે, ત્યારે જયસ્વાલ અને શ્રેયસ અય્યરને ટીમમાં જગ્યા મળી રહી નથી. તિવારીએ અય્યરના ગયા વર્ષના પ્રદર્શનને શાનદાર ગણાવી કહ્યું કે T20 ટીમમાં તેની પસંદગી ન થવી તે ચોંકાવનારી વાત છે.'
ગંભીર પોતાની જ વાત પર જ પલટી ગયા
મનોજ તિવારીએ પસંદગીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં કહ્યું, 'બે જવાબદાર ખેલાડીઓ શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. જો તમે ગૌતમ ગંભીરના જૂના વીડિયો જોશો તો તેણે કહ્યું હતું કે યશસ્વી જયસ્વાલ એવા ખેલાડી છે જેણે T20થી બહાર રાખવાની વાત પણ વિચારી શકાય નહીં. પરંતુ હવે જ્યારે પોતે જ કોચ છે, ત્યારે શ્રેયસ અય્યર માટે ટીમમાં કોઈ જગ્યા નથી. શ્રેયસ અય્યરનું ગયા વર્ષનું પ્રદર્શન સૌથી શ્રેષ્ઠ રહ્યું છે. છતાં તેણે T20 સ્થાન મળ્યું નથી. સિલેક્ટરે પસંદગીની પ્રક્રિયાને લાઈવ કરવી જોઈએ જેથી રમતપ્રેમીઓને ખબર પડે કે કોની પસંદગી થઈ છે અને કેમ'