Get The App

ડેબ્યૂમાં જ મચાવી ધમાલ: અફઘાનિસ્તાન સામે 7 વિકેટ ઝડપીને ચમક્યો ભારતનો નવો સ્પિનર માનવ સુથાર!

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
ડેબ્યૂમાં જ મચાવી ધમાલ: અફઘાનિસ્તાન સામે 7 વિકેટ ઝડપીને ચમક્યો ભારતનો નવો સ્પિનર માનવ સુથાર! 1 - image

Manav Suthar Test Debut: ન્યૂ ચંદીગઢ ખાતે અફઘાનિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચ ભારતીય ક્રિકેટના એક નવા અધ્યાયની સાક્ષી બની છે. 23 વર્ષના યુવા સ્પિનર માનવ સુથારે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ એવું પ્રદર્શન કર્યું જે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. મેચમાં કુલ 7 વિકેટ ઝડપીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતનારા આ રાજસ્થાની સ્પિનરે પોતાની આ સફરને એક અવાસ્તવિક અનુભવ ગણાવ્યો છે. 

પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિકે માનવ સુથારને હસતા હસતા પૂછ્યું કે, શું ટેસ્ટ ક્રિકેટ દેખાય છે એટલું સરળ છે? ત્યારે સુથારે બહુ પરિપક્વતાથી જવાબ આપતા કહ્યું, ના, ખરેખર એવું બિલકુલ નથી.

બાળપણનું સપનું પૂરું થયું: માનવ સુથાર

પોતાના અદ્ભુત અનુભવ વિશે વાત કરતા માનવે કહ્યું કે, આ એક ખૂબ જ અદ્ભુત અનુભવ હતો. શરૂઆતથી જ મેં ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું સપનું જોયું હતું. તેથી આ મારા માટે એક અવિશ્વસનીય ક્ષણ હતી અને સાચું કહું તો બધું એક સપના જેવું લાગતું હતું. 

28 રન પણ ફટકાર્યા

માનવ સુથારની ખાસિયત એ રહી કે તેણે માત્ર બોલિંગથી જ નહીં, પરંતુ બેટિંગથી પણ ટીમમાં મહત્વનું યોગદાન આપ્યું. ભારતે જ્યારે પોતાની પહેલી ઇનિંગ્સ 564/8 રનના વિશાળ સ્કોર પર ડિક્લેર કરી, ત્યારે નીચલા ક્રમે આવીને સુથારે ઉપયોગી 28 રન ફટકાર્યા હતા. 

તેણે જણાવ્યું કે કે, જેમ જેમ હું સેટ થયો અને થોડા બોલ રમ્યા, મને સમજાયું કે આ પિચ તો સ્પિનર્સને મદદરૂપ સાબિત થશે. 

અફઘાનિસ્તાનની પહેલી ઇનિંગ્સને વેરવિખેર કરી નાખી

પહેલી ઈનિંગમાં માનવ સુથારે માત્ર 33 રન આપીને 6 વિકેટ ઝડપી લીધી અને અફઘાનિસ્તાનની ટીમના મિડલ અને લોઅર ઓર્ડરની કમર તોડી નાખી. અફઘાનિસ્તાનની બીજી ઈનિંગમાં માનવે એક વિકેટ ખેરવી હતી. 

ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીત

ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે. ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવીન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી વન-ઓફ ટેસ્ટ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનના વિશાળ માર્જિનથી કારમો પરાજય આપ્યો છે. રન અને ઇનિંગ્સની દ્રષ્ટિએ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક જીત સાબિત થઈ છે.ભારતીય ટીમે મેચમાં સંપૂર્ણપણે પ્રભુત્વ જમાવી રાખ્યું હતું અને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ માત્ર 3 જ દિવસમાં રમતને સમાપ્ત કરી દીધી હતી.

કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી

મેચની શરૂઆત ભારતીય બેટર્સના દબદબા સાથે થઈ હતી. કેપ્ટન શુભમન ગિલ અને અનુભવી બેટર કેએલ રાહુલે શાનદાર સદીઓ ફટકારીને ભારતને એક મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. આ બંને સ્કોરર્સના દમ પર ભારતે 564/8 રનનો વિશાળ સ્કોર બનાવીને પોતાની પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી.

બે વખત ઓલઆઉટ થઈ અફઘાનિસ્તાનની ટીમ 

ત્યારબાદ ભારતીય સ્પિનર્સે એવો જાદુ ચલાવ્યો કે અફઘાનિસ્તાનની આખી ટીમ એક જ દિવસમાં બંને ઇનિંગ્સમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનની ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર 152 રન અને બીજી ઇનિંગ્સમાં 112 રન જ બનાવી શકી હતી, જેના કારણે તેમણે આ મોટી હારનો સામનો કરવો પડ્યો.