મેજિકલ મેસી માઈલસ્ટોન્સના નવા શિખરે

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમના કેપ્ટન લિઓનેલ મેસીએ અમેરિકાના મેજર લીગ સોકરમાં આગવું પ્રભુત્વ જાળવી રાખતાં નવા માઈલસ્ટોન્સને હાંસલ કર્યા હતા. મેસીએ આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમને ૨૦૨૬ના ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવામાં મદદ કરી હતી. તેની સાથે સાથે અમેરિકાના મેજર લીગ સોકરમાં કલબને પહેલીવાર એમએસએલ કપ ચેમ્પિયન બનાવી હતી. તે સતત બીજા વર્ષે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર થયો હતો અને તેણે ગોલ્ડન બૂટ પણ જીત્યા હતા. મેસીએ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં આઠ ગોલ ફટકાર્યા હતા અને તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં ૧૧૫ ગોલ સાથે બીજા ક્રમે છે.
ગોલ મશિન રોનાલ્ડો વિશ્વવિક્રમોના એવરેસ્ટ પર
ગોલ મશીન તરીકેની ઓળખ ધરાવતા ૪૦ વર્ષના ફૂટબોલ સુપરસ્ટાર રોનાલ્ડો માટે ૨૦૨૫નું વર્ષ સફળતાની સાથે નવીન સિદ્ધિઓનું વર્ષ બની રહ્યું હતુ. રોનાલ્ડોએ ચાલુ વર્ષે કારકિર્દીમાં ઓવરઓલ ૯૫૦ ગોલના માઈલસ્ટોનને પાર કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત રોનાલ્ડોની પોર્ટુગીઝ ટીમે નેશન્સ લીગ ટાઈટલ જીતી લીધું હતુ. જે તેની કારકિર્દીની ૩૪મી મેજર ટ્રોફી હતી. તેણે ફૂટબોલની મેજર ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઊંમરે ગોલ ફટકારવાનો રેકોર્ડ સર્જ્યો હતો. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સર્વાધિક ગોલના વર્લ્ડ રેકોર્ડને તેણે ૧૪૩ ગોલ સુધી પહોંચાડયો હતો. આ ઉપરાંત સાઉદી પ્રો લીગની એક સિઝનમાં સૌથી વધુ ૩૫ ગોલનો રેકોર્ડ પણ તેણે સર્જ્યો હતો.
સ્વિમિંગમાં લેડેકીની સાથે મેક્ઈન્ટોશ-માર્શોનનું આકર્ષણ
આંતરરાષ્ટ્રીય સ્વિમિંગમાં અમેરિકાની લેજન્ડ કેટી લેડેકીની સાથે કેનેડાની સમર મેક્ઈન્ટોશ અને ફ્રાન્સના માર્શોને આકર્ષણ જમાવ્યું હતુ. લેડેકીએ ૮૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં છઠ્ઠો વર્લ્ડ રેકોર્ડ નોંધાવતા વર્લ્ડ ચેમ્પિનશિપમાં બે ગોલ્ડ અને સિલ્વર-બ્રોન્ઝ જીત્યા હતા. તેણે ૮૦૦ મીટરમાં સળંગ સાતમી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી અને કારકિર્દીના ગોલ્ડ મેડલની સંખ્યા ૨૩ પર પહોંચાડી હતી. હવે તે ફ્લેપ્સના રેકોર્ડની બરોબરી કરવાથી ત્રણ જ ગોલ્ડ દૂર છે. કેનેડાની સમર મેક્ઈન્ટોશે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ ને બ્રોન્ઝ જીતવા સાથે કારકિર્દીના કુલ ગોલ્ડની સંખ્યા ૮ પર પહોંચાડી હતી. તેણે વર્ષ દરમિયાન ૪૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં અને ૨૦૦ તેમજ ૪૦૦ મીટર મેડલીમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા હતા. ફ્રાન્સના લિઓ માર્શોને ૨૦૦ મીટર ઈન્ડિવિડયુઅલ મેડલીમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૨૦૦ અને ૪૦૦ ઈન્ડિવિડયુઅલ મેડલી રેસમાં ગોલ્ડન સફળતા મેળવી હતી.
અલકારાઝ અને સિનરનું ટેનિસ જગત પર પ્રભુત્વ
ટેનિસ જગત પર સ્પેનના અલકારાઝ અને સિનરનું જબરજસ્ત પ્રભુત્વ ૨૦૨૫માં જોવા મળ્યું હતુ. સિનર ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન તો અલકારાઝ ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન જીત્યો હતો. છેલ્લા ત્રણ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલ પણ બંને ખેલાડીઓ વચ્ચે જ રમાઈ હતી. લગભગ આખું વર્ષ વર્લ્ડ નંબર વન રહેલા સિનરનું નામ ડોપિંગ વિવાદમાં સપડાયું હતુ. અલકારાઝે સાતત્ય જાળવી રાખતાં સિઝનના અંતે વર્લ્ડ નંબર બનવાની સિદ્ધિ મેળવી હતી. અલકારાઝે ૨૦૨૫માં આઠ ટાઈટલ જીત્યા હતા. જ્યારે સિનરે સિઝનમાં છ ટાઈટલ મેળવ્યાં હતાં. જ્યારે ટેનિસ લેજન્ડ યોકોવિચે ચાલુ વર્ષે કારકિર્દીનું ૧૦૦મું ટાઈટલ જીત્યું હતુ, પણ તે ૨૪ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલમાં આ વર્ષે પણ વધારો કરી શક્યો નહતો.
મહિલા ટેનિસમાં ભારે ચડાવ-ઉતારનું વર્ષ
મહિલા ટેનિસમાં ભારે ચડાવ-ઉતાર જોવા મળ્યા હતા. અમેરિકાની મેડિસન કિઝે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું હતુ. જ્યારે અમેરિકાની કોકો ગૉફે ફ્રેન્ચ ઓપન ટાઈટલ હાંસલ કર્યું હતુ. પોલેન્ડની સ્વિયાટેકે કારકિર્દીમાં પહેલીવાર વિમ્બલ્ડનની ફાઈનલમાં પ્રવેશ કરતાં ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. જ્યારે વર્લ્ડ નંબર વનનો તાજ ધરાવતી બેલારૂસની સબાલેન્કાએ સિઝનનો અંત યુએસ ઓપન જીતવા સાથે આણ્યો હતો. સબાલેન્કા ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં રનરઅપ બની હતી.
સ્વિમિંગ સ્ટાર ટિટમસની અચાનક નિવૃત્તિ
ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૮થી વધુ ગોલ્ડ જીતી ચૂકેલી સ્વિમર આરિયાન ટિટ્મસે માત્ર ૨૫ વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા.. ટિટમસે ૪૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં અમેરિકન લેજન્ડ કેટી લેડેકીના પ્રભુત્વને પડકારતાં છેલ્લા બે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા હતા. તે ફ્રિસ્ટાઈલની ૨૦૦ મીટરની ઈવેન્ટમાં વર્તમાન અને ૪૦૦ મીટરની ઈવેન્ટની ભૂતપૂર્વ વિશ્વવિક્રમ ધારક હતી. અલબત્ત, તેણે વ્યક્તિગત જિંદગી અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા નિવૃત્તિ જાહેર કરી હોવાનું કારણ આપ્યું હતુ.
પીએસજી : ફૂટબોલમાં છ મેજર ટાઈટલનો સિલસિલો
પેરિસની સેંટ જર્માઈન કલબ માટે ચાલુ વર્ષ સ્વપ્ન સિદ્ધિ સમાન બની રહ્યું હતુ. ફ્રાન્સની કલબે ચાલુ વર્ષે છ મેજર ટાઈટલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરતાં ફૂટબોલ જગતમાં આગવો દબદબો પ્રસ્થાપિત કર્યો હતો. પીએસજી કલબ યુરોપીયન કલબ ફૂટબોલની સર્વોચ્ચ ચેમ્પિયન્સ લીગ જીત્યા હતા. આ ઉપરાંત તેઓએ ફ્રેન્ચ લીગ, કોપે ડે ફ્રાન્સ, ટ્રોફી ડેસ ચેમ્પ્સ, ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ અને યુરોપીયન સુપર કપ જીતી લીધો હતો. પીએસજીના જ ડેમ્બેલેને ચાલુ વર્ષે બાલોન ડી ઓર અને ફિફાનો વર્ષનો શ્રેષ્ઠ ફૂટબોલરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગોલ્ફમાં સ્કોટી શેફ્લર ટોચ પર યથાવત્
અમેરિકાના ૨૯ વર્ષના ગોલ્ફર સ્કોટી શેફ્લરે બે મેજર ટાઈટલ જીતવાની સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ. શેફ્લરે પીજીએ ચેમ્પિયનશિપ અને બ્રિટીશ ઓપન ખિતાબ હાંસલ કર્યા હતા. તેણે ૨૦૨૫માં કુલ છ ટાઈટલ મેળવ્યા હતા અને પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ ચોથી વખત જીત્યો હતો.
ફોરમેન અને સ્પાસ્કીને અલવિદા
અમેરિકાના બોક્સિંગ લેજન્ડ જ્યોર્જ ફોરમેન અને ચેસ જગતના દિગ્ગજ સુપરસ્ટાર બોરિસ સ્પાસ્કીએ ૨૦૨૫માં અંતિમ શ્વાસ લીધા હતા. ફોરમેને બે વખત વર્લ્ડ હેવિવેઈટ ચેમ્પિયનશિપ જીતી હતી અને તેઓ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેઓ ૧૯૭૪માં ધ રંબલ ઈન ધ જંગલના વિખ્યાત મુકાબલામાં ધુરંધર બોક્સર મુહમ્મદ અલી સામે પરાજીત થયા હતા. જ્યારે ચેસ જગતના રશિયન સ્ટાર બોરિસ સ્પાસ્કીએ ૮૮ વર્ષની વયે ચિર વિદાય લીધી હતી. તેઓ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન હતા અને ૧૯૭૨ની જાણીતી વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચમાં અમેરિકાના બોબી ફિશર સામે હારી ગયા હતા.
ચેલ્સીની ફૂટબોલ કલબ વર્લ્ડ કપમાં કમાલ
ઈંગ્લેન્ડની ચેલ્સી કલબે નવા રુપરંગમાં લોન્ચ કરવામાં આવેલો ફિફા કલબ વર્લ્ડ કપ જીતી લીધો હતો. વિશ્વની ૩૨ ટીમ વચ્ચે ખેલાયેલા મુકાબલામાં ચેલ્સીએ ૩-૦થી યુરોપીયન ચેમ્પિયન પીએસજીને પરાસ્ત કરીને ખિતાબી જીત હાંસલ કરી હતી. આ સાથે ચેલ્સીને ૧૨.૫ કરોડ ડોલર ઈનામમાં એનાયત કરવામાંં આવ્યા હતા.
બેડમિન્ટનમાં ત્રણ ખેલાડીનો દબદબો
આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં વર્ષ દરમિયાન ચીનનો શિ યુકી છવાયેલો રહ્યો હતો. મહિલા વિભાગમાં જાપાનની યામાગુચી અને સાઉથ કોરિયાની એન સે યંગ વચ્ચે કશ્મકશભરી સ્પર્ધા જોવા મળી હતી. શિ યુકીએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની સાથે સાથે ઓલ ઈંગ્લેન્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. જ્યારે જાપાનની એકાને યામાગુચીએ કારકર્દીમાં ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. સાઉથ કોરિયાની એન સે યંગે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની સાથે સિઝનમાં કુલ ૧૨ ફાઈનલ રમીને ૧૧ ટાઈટલ હાંસલ કર્યા હતા.
પોલ વોલ્ટમાં જીવંત દંતકથા સમાન અર્માન્ડ ડુપ્લાન્ટિસ
સ્વિડનના અર્માન્ડ ડુપ્લાન્ટિસે ચાલુ વર્ષે પણ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો સિલસિલો જારી રાખતાં પોલ વોલ્ટમાં નવી ઊંચાઈ હાંસલ કરી હતી. તેણે ૨૦૨૫માં ચાર વખત વર્લ્ડ રેકોર્ડ તોડયો હતો અને તેના કુલ વર્લ્ડ રેકોર્ડની સંખ્યા ૧૪ પર પહોંચાડી હતી. તેણે ચાલુ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તે ઈન્ડોર ચેમ્પિયનશિપ પણ જીત્યો હતો.
અમેરિકાની મેલિસા નવી ફ્લાઈંગ ક્વિન
અમેરિકાની ૨૪ વર્ષની મેલિસા જેફરસન-વૂડેન ચાલુ વર્ષે ટ્રેક ઈવેન્ટની નવી ફ્લાઈંગ ક્વિન તરીકે ઉભરી આવી હતી. મેલિસાએ ટોકિયોમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડમાં સ્વર્ણિમ સફળતા હાંસલ કરી હતી. તેણે ૧૦૦ મીટર ૧૦.૬૧ અને ૨૦૦ મીટર ૨૧.૬૮ સેકન્ડમાં પુરુંં કર્યું હતુુ. આ ઉપરાંત તેણે ૪ બાય ૧૦૦ મીટરમાં પણ અમેરિકાને ગોલ્ડ અપાવતા હેટ્રિક પૂર્ણ કરી હતી.
સિન્દારોવ : ચેસમાં વધુ એક ટીનએજર ટોપ પર
ચેસમાં ટીનએજરોએ કમાલનો દેખાવ જારી રાખતાં વધુ એક મેજર ટાઈટલ કબજે કર્યું હતુ. ગત વર્ષે ૧૮ વર્ષનો ભારતનો ડી. ગુકેશ સૌથી યુવા વયનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. જ્યારે ચાલુ વર્ષે ભારતની ૧૯ વર્ષની દિવ્યા દેશમુખે મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. જે પછી ભારતની ભૂમિ પર ગોવામાં યોજાયેલા ચેસ વર્લ્ડ કપમાં ઉઝબેકિસ્તાનનો જાવોખિર સિન્દારોવ વિજેતા બન્યો હતો. તેણે માત્ર ૧૯ વર્ષની વયે ચેસ વર્લ્ડ કપ જીતનારો ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. જ્યારે આ મેજર ટાઈટલ જીતનારો પહેલો ઉઝબેક ખેલાડી પણ બન્યો હતો.
ફોર્મ્યુલા વન કાર રેસિંગમાં નોરિસનો મેજર અપસેટ
ફોર્મ્યુલા વન કાર રેસિંગ ચેમ્પિયનશિપમાં બ્રિટનના નોરિસે મેજર અપસેટ સર્જતા છેલ્લા ચાર વર્ષથી ચેમ્પિયન બનતા મેક્સ વર્સ્ટાપ્પનને માત્ર બે જ પોઈન્ટથી હરાવીને કારકિર્દીમાં પહેલીવાર ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી હતી. નોરિસે ૨૦૨૫ની સિઝનમાં સાત ગ્રાં પ્રિ રેસ જીતી હતી અને ૨૪માંથી ૧૮ વખત ટોપ થ્રીમાં સ્થાન મેળવ્યું હતુ. જ્યારે વર્સ્ટાપ્પને ૮ ગાં પ્રિ જીતી હતી. જોકે તે ૨૪માંથી ૧૫ વખત ટોપ થ્રીમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યો હતો.









