લિવરપુલ ક્લબના 28 વર્ષીય સ્ટાર ફૂટબોલરનું કાર અકસ્માત મોત, 10 દિવસ અગાઉ થયા હતા લગ્ન
Diogo Jota died in a Car Crash: ઈંગ્લેન્ડના લિવરપુલ ફૂટબોલ ક્લબ માટે રમતા પોર્ટુગલના 28 વર્ષના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પેનમાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સમયે તેનાં ભાઈ આન્દ્રે પણ તેમની સાથે કારમાં હતા. આન્દ્રે પણ 26 વર્ષીય ફૂટબોલર છે. આ દુ:ખદ ઘટના ડિઓગો જોટાના લગ્નના 10 દિવસ પછી બની છે. તેમણે 10 દિવસ પહેલા પોર્ટોમાં તેની ગર્લફ્રેન્ડ રુએટ કાર્ડોસો સાથે લગ્ન કર્યા હતા.
પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને શોક વ્યક્ત કર્યો
પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને એક નિવેદન જાહેર કરીને ડિઓગો અને તેમના ભાઈ આન્દ્રેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન અને સમગ્ર પોર્ટુગીઝ ફૂટબોલ સમુદાય આજે સવારે સ્પેનમાં ડિઓગો જોટા અને તેમના ભાઈ આન્દ્રે સિલ્વાના મૃત્યુથી સંપૂર્ણપણે આઘાતમાં છે. નેશનલ A ટીમ માટે લગભગ 50 મેચ રમનાર ડિઓગો જોટા એક અસાધારણ વ્યક્તિ હતા, જેમને તેમના બધા સાથી ખેલાડીઓ અને વિરોધી ટીમના ખેલાડીઓ પણ માન આપતા હતા. તેમનું વ્યક્તિત્વ અદભુત હતું.'
ડિઓગો જોટાએ પોર્ટુગીઝ માટે 49 આંતરરાષ્ટ્રીય મેચ રમી
ડિઓગો જોટાનો જન્મ 4 ડિસેમ્બર, 1996 ના રોજ પોર્ટુગલના પોર્ટોમાં થયો હતો. જોટાએ 2014 માં પોર્ટુગલ અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. 5 વર્ષ પછી 2019 માં, તે રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ્યા હતા. તેણે 49 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે કુલ 14 ગોલ કર્યા છે.
ડિઓગો જોટા 2020 માં લિવરપૂલમાં જોડાયા હતા, આ ક્લબ સાથે 5 વર્ષની કારકિર્દીમાં તેણે 123 મેચ રમી હતી, જેમાં તેણે 47 ગોલ કર્યા હતા. ડિઓગો ફોરવર્ડ, લેફ્ટ વિંગર પોઝિશનમાં રમતા હતા.
પત્નીએ એક દિવસ પહેલા લગ્નનો વીડિયો શેર કર્યો હતો
ડિઓગો જોટા અને રૂટ કાર્ડોસોએ ઘણાં વર્ષો સુધી લિવ-ઈનમાં રહ્યા બાદ 22 જૂન 2025ના રોજ લગ્ન કર્યા હતા, તેણે થોડા દિવસો પહેલા ફોટો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. બુધવારે, તેમની પત્નીએ લગ્નનો વીડિયો પણ શેર કર્યો હતો. ડિઓગો અને રુટને 3 બાળકો પણ છે.
ડિઓગો જોટાનું 3 જુલાઈ, 2025 ના રોજ સ્પેનના ઝામોરામાં અવસાન થયું. તે ઉત્તર પોર્ટુગલથી બહાર નીકળવાના મુખ્ય માર્ગ A-52 રૂટ પર હતા. આ સમય તેમની કારનો અકસ્માત થયો હતો.