Greg Biffle Death: રેસિંગની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં એક વિમાન દુર્ઘટનાએ NASCAR સમુદાયને એક ઊંડા શોકમાં નાંખી દીધો છે. ઉત્તરી કૈરોલિનાના સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટ પાસે ગુરૂવારે (19 ડિસેમ્બર) સવારે એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં નિવૃત્ત NASCAR ડ્રાઇવર ગ્રેગ બિફલ, તેમની પત્ની અને બાળકો સહિત કુલ સાત લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત બાદ રેસિંગ જગતમાં શોકની લહેર પ્રસરી છે.
ટેકઑફના થોડા જ સમયમાં આગના ગોળામાં ફેરવાયું વિમાન
અધિકારીઓના જણાવ્યાનુસાર, સેસના C550 બિઝનેસ જેટ સવારે 10 વાગ્યે સ્ટેટ્સવિલે એરપોર્ટથી ફ્લોરિડા માટે રવાના થયું હતું. જોકે, ટેકઑફના થોડા જ સમય બાદ પાઇલટને કોઈ સમસ્યાનો આભાસ થયો અને વિમાન એરપોર્ટ પર પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન વિમાને સંતુલન ગુમાવ્યું અને જમીનથી અથડાઇ ગયું. ટક્કર સાથે જ વિમાનમાં ભીષણ આગ લાગી, જેનાથી ઘટનાસ્થળે હાજર તમામ મુસાફરોનું મોત નિપજ્યું.
આ ભયાનક અકસ્માત ચાર્લોટથી લગભદ 72 કિલોમીટર ઉત્તરમાં થયો હતો. નૉર્થ કૈરોલિના સ્ટેટ હાઇવે પેટ્રોલ અનુસાર, વિમાન ખૂબ ઝડપથી નીચે આવ્યું અને નીચે પડતા જ આગના ગોળામાં ફેરવાઈ ગયું. તે સમયે વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો હતો. વિમાન જે કંપનીના નામે રજિસ્ટર્ડ હતું, તે ગ્રેગ બિફલ સાથે જોડાયેલી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ગ્રેગ બિફલનું મોત
આ વિમાનમાં ગ્રેગ બિફલ સાથે તેમની પત્ની ક્રિસ્ટીના, પાંચ વર્ષનો દીકરો રાઇડર અને 14 વર્ષની દીકરી એમ્મા હાજર હતા. તેમના પરિવારના નજીકના મિત્ર અને તેમના બાળકો પણ આ ઉડાનમાં હાજર હતા. પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમમાં કહેવામાં આવ્યું કે, આ તેમના જીવનની સૌથી મોટી દુર્ઘટના છે અને આ નુકસાનની ચૂકવણી અશક્ય છે.
દુર્ઘટનાનું કારણ અકબંધ
અકસ્માતના સમય એરપોર્ટની બાજુના લેકવુડ ગોલ્ફ ક્લબમાં જે લોકો પણ હાજર હતા, તમામ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. કાટમાળ ગોલ્ફ કોર્સના ભાગ સુધી ફેલાઇ ગયો હતો. હાલ, આ દુર્ઘટનાની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થયા બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવી શકશે.


