Kohli vs Head IPL 2026: IPL 2026માં 22 મેના શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે એક હાઇવોલ્ટેજ મેચ રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં માત્ર ચોગ્ગા-છગ્ગાનો જ વરસાદ નહોતો થયો, પરંતુ મેદાન પર ભારે તણાવ પણ જોવા મળ્યો હતો. મેચ દરમિયાન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ વચ્ચે તીખી નોકઝોક થઈ હતી. જેની આડઅસર હવે સોશિયલ મીડિયા પર દેખાઈ રહી છે, જ્યાં ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડને વિરાટ કોહલીના ફેન્સની અભદ્ર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.
મેદાન પર કોહલીએ હેડને આપી ચેલેન્જ
આ મેચમાં RCBની ટીમ 256 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન હૈદરાબાદના ફિલ્ડર ટ્રેવિસ હેડે કોહલીને વધુ આક્રમક બેટિંગ કરવા માટે કહ્યું હતું. હેડની આ વાત પર વળતો જવાબ આપતા કોહલીએ તેને પડકાર ફેંક્યો કે, જો એટલો જ દમ હોય તો તે પોતે આવીને બોલિંગ કરી બતાવે.
જોકે, આ ઘટનાના થોડા જ સમય બાદ વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો. કોહલી આઉટ થતાં જ ટ્રેવિસ હેડે તેની તરફ જોઈને કંઈક ટિપ્પણી કરી હતી, જેના કારણે કોહલી ભારે નારાજ થઈ ગયો હતો. આ હાઇસ્કોરિંગ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદે 55 રનથી જીતી લીધી હતી, પરંતુ RCBની ટીમ માટે રાહતના સમાચાર એ રહ્યા કે તેઓ પૉઇન્ટ્સ ટેબલમાં ટોપ પર ફિનિશ કરવામાં સફળ રહ્યા હતા.
મેચ બાદ હેડ સાથે હાથ મિલાવ્યા વગર જ આગળ વધી ગયો વિરાટ!
મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ જ્યારે પરસ્પર હાથ મિલાવી રહ્યા હતા ત્યારે થયો હતો. પોસ્ટ-મેચ હેન્ડશેક દરમિયાન ટ્રેવિસ હેડે વિરાટ કોહલી તરફ હાથ લંબાવ્યો હતો, પરંતુ ગુસ્સામાં રહેલા કોહલીએ હેડને સંપૂર્ણપણે ઇગ્નોર કરીને આગળ વધી ગયો હતો. કોહલીના આ વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો છે અને ફેન્સ વચ્ચે વચ્ચે જોરદાર દલીલો શરૂ થઈ ગઈ છે. જોકે, આ સમગ્ર વિવાદને લઈને હજુ સુધી વિરાટ કોહલી કે ટ્રેવિસ હેડ તરફથી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ટ્રેવિસ હેડની પત્ની જેસિકાએ વ્યક્ત કરી નારાજગી
આ વિવાદ બાદ ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડે ટ્રોલર્સ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જેસિકાએ જણાવ્યું કે, 'આ બિલકુલ 2023ના વર્લ્ડ કપ ફાઇનલ જેવું જ લાગી રહ્યું છે. અમે બરાબર છીએ, પરંતુ લોકો અમારા મિત્રો અને પરિવારને નિશાન બનાવી રહ્યા છે. રમતમાં ઝનૂન હોવું સારી બાબત છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ખેલાડીઓની પાછળ પણ તેમનો પરિવાર અને માણસો હોય છે. આજે મેન્ટલ હેલ્થ અને ઓનલાઈન વર્તન અંગે ગંભીર ચર્ચા કરવાની ખાસ જરૂર છે.'
ટ્રેવિસ હેડ એ જ ખેલાડી છે જેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં 137 રન ફટકારીને ભારતનું સપનું તોડ્યું હતું. તે સમયે પણ તેના પરિવારને ટ્રોલ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, આ વખતે પણ મેચ પૂરી થયા બાદ ટ્રોલ્સે ટ્રેવિસ હેડ અને જેસિકાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને તેમના 3 વર્ષ જૂના લગ્નના ફોટા શોધી કાઢ્યા અને તેના પર અભદ્ર તેમજ વાંધાજનક કમેન્ટ્સનો મારો ચલાવ્યો. એટલું જ નહીં, કેટલાક યુઝર્સે તો હેડ અને તેના પરિવારને ખુલ્લેઆમ ધમકીઓ પણ આપી છે.


