Get The App

કોહલી ફરી શૂન્ય પર આઉટ, રોહિત-શ્રેયસની લડત છતાં ભારત હાર્યું, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-0થી જીતી

Updated: Oct 23rd, 2025

GS TEAM

Google News
Google News
કોહલી ફરી શૂન્ય પર આઉટ, રોહિત-શ્રેયસની લડત છતાં ભારત હાર્યું, ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-0થી જીતી 1 - image


Ind vs Aus : ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે એડિલેડમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતને બે વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે, ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 46.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી રોહિત શર્મા અને શ્રેયસ ઐયરની અડધી સદી વ્યર્થ ગઈ હતી.

રોહિત-શ્રેયસની લડત, ટોપ ઓર્ડર નિષ્ફળ 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. કેપ્ટન શુભમન ગિલ માત્ર 8 રન બનાવી શક્યો, જ્યારે વિરાટ કોહલી સતત બીજી મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. મુશ્કેલ પરિસ્થિતિમાં, રોહિત શર્માએ 73 અને શ્રેયસ ઐયરે 61 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને સંભાળી હતી. અંતમાં અક્ષર પટેલે 44 રનનું યોગદાન આપતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 264 રનનો લડાયક સ્કોર ઉભો કર્યો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 4 અને ઝેવિયર બાર્ટલેટે 3 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાનો રોમાંચક વિજય 

265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત પણ સારી રહી ન હતી. જોકે, મેથ્યુ શોર્ટે 78 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. ભારતીય બોલરોએ વચ્ચે-વચ્ચે વિકેટો લઈને મેચને રોમાંચક બનાવી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ નાની-નાની ભાગીદારીઓ કરીને ટીમને જીત તરફ આગળ ધપાવી. ભારત માટે અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતું ન હતું. આ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જે ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે જીતી હતી. હવે શ્રેણીની અંતિમ મેચ ઔપચારિક રહેશે, જ્યાં ભારતીય ટીમ પોતાની આબરૂ બચાવવા માટે મેદાનમાં ઉતરશે.

Tags :