Virat Kohli No 1 Batter : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરાયેલ નવીનતમ વનડે રેન્કિંગમાં ભારતીય ક્રિકેટના 'કિંગ' વિરાટ કોહલીનો દબદબો ફરી એકવાર જોવા મળ્યો છે. કોહલીએ પોતાના સાથી ખેલાડી અને 'હિટમેન' રોહિત શર્મા પાસેથી નંબર વન બેટ્સમેનનો તાજ છીનવી લીધો છે અને વર્ષો બાદ ફરીથી વનડે રેન્કિંગના શિખર પર બિરાજમાન થયો છે.
એક મેચના પ્રદર્શને બદલ્યું સમીકરણ
આ મોટો ફેરફાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વનડે શ્રેણીના પ્રથમ મેચના પ્રદર્શનના આધારે થયો છે. વડોદરામાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીએ 91 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' પણ જાહેર કરવામાં આવ્યો હતો. ભલે તે તેની 54મી વનડે સદી ચૂકી ગયો, પરંતુ આ ઇનિંગે તેને રેન્કિંગમાં ટોચ પર પહોંચાડી દીધો.
બીજી તરફ, આ શ્રેણી પહેલાં નંબર વન પર રહેલો રોહિત શર્મા આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 29 બોલમાં 26 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ જ મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલે 71 બોલમાં 84 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેનો ફાયદો તેને રેન્કિંગમાં મળ્યો છે.
નવી વનડે રેન્કિંગ પર એક નજર
નવા રેન્કિંગ અનુસાર, રોહિત શર્મા પહેલા સ્થાનથી સીધો ત્રીજા સ્થાને ગબડી ગયો છે.
વિરાટ કોહલી (ભારત): 785 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે.
ડેરિલ મિશેલ (ન્યૂઝીલેન્ડ): 784 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે.
રોહિત શર્મા (ભારત): 775 રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે.
ઇબ્રાહિમ ઝાદરાન (અફઘાનિસ્તાન): 764 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે.
શુભમન ગિલ (ભારત): 725 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને યથાવત છે.
આ સિવાય ટોપ 10માં ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર પણ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
જોકે, વિરાટ કોહલી માટે 785 રેટિંગ પોઈન્ટ્સ તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી હજુ ઘણા દૂર છે. વર્ષ 2018માં તેણે 909 રેટિંગ પોઈન્ટ્સ હાંસલ કર્યા હતા. પરંતુ લાંબા સમય બાદ તેનું ફરીથી નંબર વન પર આવવું તેના ચાહકો માટે એક મોટી ખુશખબર છે.


