KKR vs PBKS : કોલકાતા-પંજાબની મેચમાં વરસાદનું વિઘ્ન, મેચ રદ થતાં બંને ટીમોને મળ્યા 1-1 પોઈન્ટ
KKR vs PBKS : આઈપીએલ-2025માં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. જો કે, પંજાબની ઇનિંગ બાદ જ્યારે કોલકાતાની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે પહેલી ઓવર બાદ અચાનક વરસાદ શરૂ થઇ જતા મેચ રદ કરાઇ છે. જે પછી બંને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે.
મેચમાં વરસાદનું વિઘ્ન
પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરીને 202 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જે પછી ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે એક ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર સાત રન બનાવ્યા હતા. જો કે, પછી અચાનક ભારે વરસાદ અને તોફાન શરૂ થઇ ગયું હતું. પવન એટલી ઝડપે ફૂંકાઇ રહ્યું હતું કે, ગ્રાઉન્ડ કર્મચારીઓને ગ્રાઉન્ડને કવર કરવામાં પણ ભારે પરેશાની થઇ હતી. વરસાદ બંધ ન થયું ત્યારે મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો. જે પછી બંને ટીમોને 1-1 પોઇન્ટ અપાયા છે.
પોઇન્ટ ટેબલમાં સ્થાન
અજિંક્યે રહાણેના નેતૃત્વ હેઠળની કેકેઆર 9 મેચોમાં ત્રણ જીત, પાંચ હાર અને એક ડ્રો સાથે પોઇન્ટ ટેબલ પર સાતમાં ક્રમે છે. બીજી બાજુ, શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સ 9 મેચોમાં પાંચ જીત, ત્રણ હાર અને એક ડ્રો સાથે પોઇન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. આ મેચ બાદ પંજાબ કિંગ્સને એક ક્રમનું ફાયદો થયો છે.