Kieron Pollard fined IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી રોમાંચક મેચ બાદ મુંબઈના બેટિંગ કોચ કીરોન પોલાર્ડ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મેચ દરમિયાન ફોર્થ અમ્પાયર સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ આઈપીએલ કમિટીએ પોલાર્ડને દંડ ફટકાર્યો છે.
શું છે સમગ્ર મામલો?
ગુરુવારે રમાયેલી મેચમાં જ્યારે મુંબઈની ટીમ લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી, ત્યારે બીજી ઇનિંગની 19મી ઓવરમાં આ ઘટના બની હતી. મેદાન પર ચાલી રહેલી રમત દરમિયાન પોલાર્ડ અને ફોર્થ અમ્પાયર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર દલીલ થઈ હતી. આ દરમિયાન પોલાર્ડે અમ્પાયર માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાય છે.
બોર્ડ દ્વારા કાર્યવાહી
આઈપીએલે પોલાર્ડને આચાર સંહિતાના લેવલ-1 ના ઉલ્લંઘનનો દોષી માનતા તેમની મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકાર્યો છે. આર્થિક દંડની સાથે પોલાર્ડના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. લીગના જણાવ્યા અનુસાર, પોલાર્ડે અનુચ્છેદ 2.3નું ઉલ્લંઘન કર્યું છે, જે મેચ દરમિયાન અભદ્ર ભાષાના ઉપયોગ સાથે જોડાયેલું છે.
પોલાર્ડે ભૂલ સ્વીકારી
મેચ બાદ મેચ રેફરી પંકજ ધરમાણી દ્વારા પોલાર્ડને સજા સંભળાવવામાં આવી હતી. કીરોન પોલાર્ડે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને સજાનો સ્વીકાર કર્યો છે. જેના કારણે હવે આ મામલે આગળ કોઈ સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં. આ સજાને પોલાર્ડે મંજૂર રાખી છે. જેથી હવે કોઇ અન્ય કાર્યવાહીનો પ્રશ્ન રહેતો નથી.
પોલાર્ડ અનેકવાર કરી ચુક્યો છે ભુલ
નોંધનીય છે કે, કીરોન પોલાર્ડ અગાઉ પણ અનેકવાર આઈપીએલની આચાર સંહિતાના દાયરામાં આવી ચૂક્યા છે. જોકે, મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સે પંજાબને 6 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી હતી, પરંતુ કોચની આ હરકતે જીતની ખુશીમાં થોડો ભંગ પાડ્યો હતો.


