Get The App

કર્ણાટકમાં IPLની ટિકિટ મામલે બબાલ! ભાજપના ધારાસભ્યએ કહ્યું - VIP કલ્ચર ખતમ કરો

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
કર્ણાટકમાં IPLની ટિકિટ મામલે બબાલ! ભાજપના ધારાસભ્યએ કહ્યું - VIP કલ્ચર ખતમ કરો 1 - image

Controversy Over IPL Tickets In Karnataka: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવે કર્ણાટકમાં IPLની ટિકિટ મામલે વિવાદ ઊભો થયો છે. ભાજપના ધારાસભ્ય એસ. સુરેશ કુમારે ધારાસભ્યોને આપવામાં આવી રહેલી ટિકિટ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે અને તેને 'VIP કલ્ચર' ગણાવ્યું છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે કર્ણાટક ક્રિકેટ એસોસિએશન દરેક ધારાસભ્યને IPL મેચ માટે બે ટિકિટ આપશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

સરકાર 'VIP કલ્ચર'ને પ્રોત્સાહન આપી રહી 

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય બાદ સુરેશ કુમારે વિધાનસભા અધ્યક્ષ યુટી ખાદરને પત્ર લખીને ટિકિટ લેવાનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું કે, 'મારા વિવેક પ્રમાણે હું IPLની કોઈપણ ટિકિટ કે પાસ નહીં સ્વીકારીશ, તેથી મારા નામે કોઈ ટિકિટ જારી ન કરવી.' તેમણે રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, 'જે સરકાર ખુદને સમાજવાદી ગણાવે છે, તે જ સરકાર 'VIP કલ્ચર'ને પ્રોત્સાહન આપી રહી છે. આ 'VIP કલ્ચર' ખતમ કરો વિધાનસભામાં સામાન્ય જનતાના મુદ્દાઓને બદલે ટિકિટ અને સુવિધાઓ પર ચર્ચા થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે.'


મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જેમને ટિકિટ નથી જોઈતી તેમણે ના લેવી. જેમને મેચ જોવાની ઇચ્છા છે તેઓ જઈ શકે છે. ભૂતકાળમાં પણ ધારાસભ્યોને ટિકિટ મળતી જ હતી, પરંતુ આ વખતે આ સંખ્યા વધારીને 2 કરવામાં આવી છે.

RCBની ધમાકેદાર જીત

તમને જણાવી દઈએ કે, IPL 2026ની શરૂઆત બેંગલુરુમાં થઈ, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાઈ. જ્યાં RCBએ ધમાકેદાર જીત નોંધાવી. સુરેશ કુમારે ગત વર્ષની દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યારે RCBના જીતના જશ્ન દરમિયાન સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: IPL 2026ની પહેલી મેચ RCBના નામે, SRHને 6 વિકેટથી હરાવ્યું, કોહલીની દમદાર ઈનિંગ

તેમણે કહ્યું કે તે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યા બાદ હવે તે જ IPL ટિકિટોની ચર્ચા થવી એ જનતાની વચ્ચે નેતાઓની છબીને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે અંતમાં કહ્યું કે, જો નેતાઓ VIP કલ્ચરને પ્રોત્સાહન આપતા રહેશે, તો જનતાની નજરમાં તેમની છબી વધુ ખરાબ થશે.