તસ્વીર IANS |
India vs Pakistan T20 World Cup 2026 : ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન હાલમાં ટી20 વર્લ્ડ કપમાં પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો ઈશાન આજે (15 ફેબ્રુઆરી) કોલંબોમાં પાકિસ્તાન સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. જ્યાં ફરી એકવાર તેની આક્રમક બેટિંગ પર સૌની નજર રહેશે.
અંગત જીવન પણ ચર્ચાનો વિષય
આ દરમિયાન તેના અંગત જીવનને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. લગ્નને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે તેના પરિવાર તરફથી હવે એક મોટો અને સ્પષ્ટ સંદેશ સામે આવ્યો છે. ઈશાનના દાદા અનુરાગ પાંડેએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, પરિવાર ઈશાનના દરેક નિર્ણયમાં તેની સાથે છે - તે જેની સાથે લગ્ન કરવા માંગશે, તે તેમને સંપૂર્ણ રીતે મંજૂર હશે.
બાળકની ખુશી અમારા માટે મહત્વની
દાદાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'ઈશાન જેની સાથે લગ્ન કરવા ઈચ્છશે, અમને સ્વીકાર્ય છે. બાળકોની ખુશી જ સૌથી મહત્વની હોય છે. અંતિમ નિર્ણય તેનો જ હશે અને અમે તેની સાથે છીએ.' આ નિવેદન એટલા માટે પણ મહત્વનું માનવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી ઈશાનના રિલેશનશિપને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી.
...કોણ છે અદિતિ?
વાતચીત દરમિયાન દાદાએ જણાવ્યું કે અદિતિ નામની યુવતી ઈશાનના જીવનમાં ખાસ સ્થાન ધરાવે છે. તેમના જણાવ્યા અનુસાર, અદિતિ જયપુરની રહેવાસી છે અને વ્યવસાયે મોડલ છે. એટલું જ નહીં, તે મિસ ઈન્ડિયા સ્પર્ધામાં બીજા ક્રમે રહી ચૂકી છે. દાદાએ હસતા હસતા એક ખાનગી સમાચાર એજન્સી સાથે એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો. તેમણે જણાવ્યું કે અદિતિએ તેમનો એક ઇન્ટરવ્યુ જોયો હતો અને તેમના ખૂબ વખાણ કર્યા હતા. દાદાએ હસતા હસતા કહ્યું... "તે ઈશાનને કહી રહી હતી કે તમારા બાબા (દાદા) હજુ પણ ખૂબ સુંદર લાગે છે, તેમનો ચહેરો ચમકે છે..." આ હળવી વાતચીતે વાતાવરણને વધુ રસપ્રદ બનાવી દીધું હતું.
આ પણ વાંચો : જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ
પરિવારનું સંપૂર્ણ સમર્થન
પરિવારનું વલણ એકદમ સ્પષ્ટ છે, ઈશાન પોતાના જીવનના નિર્ણયો જાતે લે અને પરિવાર તેને સંપૂર્ણ ટેકો આપશે. દાદાએ કહ્યું, 'તેને જે ગમશે તે જ કરશે. અમે સ્વીકારવા તૈયાર છીએ. અમને કોઈ ચિંતા નથી. તેના મોટા ભાઈએ કહ્યું કે અમે તેની સાથે લગ્ન કરીશું.. પલ્લવી સાથે, તો અમે સ્વીકારી લીધું.' આ નિવેદન આધુનિક વિચારસરણી અને પરિવારના ખુલ્લા દૃષ્ટિકોણને દર્શાવે છે. ક્રિકેટ જેવી ગ્લેમરસ અને દબાણવાળી કારકિર્દીમાં અંગત જીવન વિશે વારંવાર ચર્ચાઓ થતી રહે છે, પરંતુ ઈશાનના પરિવારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈ પણ પ્રકારના દબાણમાં નથી.
ચાહકોમાં ચર્ચા તેજ
ઈશાન કિશન યુવા ક્રિકેટરોમાં સૌથી લોકપ્રિય ચહેરાઓમાંથી એક છે. મેદાન પર તેની આક્રમક બેટિંગ અને વિકેટકીપિંગની સાથે સાથે તેનું અંગત જીવન પણ ફેન્સ માટે રસનો વિષય રહે છે. આવી સ્થિતિમાં લગ્ન અંગેનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. હવે સૌની નજર એ વાત પર છે કે, શું ઈશાન તેના સંબંધોને સત્તાવાર જાહેર કરશે કે હાલમાં ક્રિકેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. જોકે, એક વાત સાફ છે - જ્યારે પણ તે જીવનની નવી ઇનિંગ શરૂ કરશે, પરિવાર તેની સાથે મજબૂતીથી ઉભો રહેશે.


