Ishan Kishan Emotional Interview: ગઈકાલે રાત્રે ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ 47 બોલમાં 70 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લેઓફની ટિકિટ અપાવનાર ઈશાન કિશન જ્યારે 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ લેવા સ્ટેજ પર આવ્યો ત્યારે તેની આંખો ભીની હતી. આ મેચ દરમિયાન ઈશાન અસહ્ય માનસિક અને પારિવારિક દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો. મેચ જીતાડ્યા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં તેણે જે ખુલાસો કર્યો, તેણે કરોડો ક્રિકેટ ફેન્સની આંખો ભીની કરી દીધી છે.
મેચ બાદ દિવંગત બહેનને યાદ કરી ભાવુક થયો ઈશાન કિશન
ઈશાન કિશને ભાવુક સ્વરમાં કહ્યું કે, ક્યારેક જીવનમાં મોટિવેશન બહુ જરૂરી બની જાય છે. આજે મારું મોટિવેશન મારો કઝિન ભાઈ હતો જે સ્ટેન્ડ્સમાં જ ઊભો હતો. તેણે પોતાની બહેન ગુમાવી દીધી છે અને અમારો પરિવાર બહુ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેઓ પહેલીવાર સ્ટેડિયમમાં મારી મેચ જોવા આવ્યા હતા. હું બસ કોઈ પણ ભોગે તેમના માટે જ આ ગેમ ફિનિશ કરવા માંગતો હતો. મને ખુશી છે કે તેઓ આ ઈનિંગ જોવા અહીં હાજર હતા. હું ભગવાનનો આભારી છું, રમત વખતે મને કોઈ અદૃશ્ય શક્તિનો અનુભવ થઈ રહ્યો હતો.
આ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે સરળ નહોતી: ઈશાન કિશન
પિચના કંડિશન વિશે વાત કરતા ઈશાન કિશને જણાવ્યું કે જ્યારે તે ફર્સ્ટ ઈનિંગમાં વિકેટકીપિંગ કરી રહ્યો હતો, ત્યારે જ તેને અંદાજો આવી ગયો હતો કે આ વિકેટ બેટિંગ માટે બિલકુલ સરળ નથી. ચેપોકની ધીમી પિચ પર 181 રનનો ટાર્ગેટ ચેઝ કરવો ઘણો મુશ્કેલ હતો, કારણ કે ચેન્નઈના સ્પીનર્સની સ્લો બોલ બહુ ટર્ન થતી હતી. ખાસ કરીને નવા આવતા બેટ્સમેનો માટે સિંગલ રન લેવા કે બાઉન્ડ્રી ફટકારવી લોઢાના ચણા ચાવવા સમાન હતું.
ઈશન કિશને ચેન્નઈ સુપર કિંગ્સના બોલર્સની ધોલાઈ કરી
મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર એમએસ ધોની પણ હાજર હતો. પરંતુ આ સીઝનમાં ઈજાના કારણે તે એક પણ મેચ રમી શક્યો નથી. ચેપોક સ્ટેડિયમની પિચ હંમેશા સ્પીનર્સને મદદ કરે છે અને અહીં 181 રન ચેઝ કરવા સરળ નહોતા. હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી અને ટ્રેવિસ હેડ જલ્દી આઉટ થઈ ગયો. પરંતુ ઓપનર ઈશાન કિશને વન-મેન આર્મીની જેમ કમાન સંભાળી. કિશને માત્ર 37 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને ઈનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 70 રન ફટકારીને ચેન્નઈના બોલર્સને લાઈન-લેન્થ ભુલાવી દીધી હતી. મિડલ ઓર્ડરમાં હેનરિક ક્લાસેને ઈશાન કિશનનો શાનદાર સાથ આપ્યો. ક્લાસેનને 18 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું, જેનો ફાયદો ઉઠાવી તેણે 26 બોલમાં 47 રન ઝૂડી કાઢ્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 75 રનની તોફાની ભાગીદારી કરી.


