IPL Mega Deal: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એક અત્યંત મોટું અને ઐતિહાસિક વ્યાપારિક અધિગ્રહણ સામે આવ્યું છે. જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને આદિત્ય મિત્તલના નેતૃત્વ હેઠળના મિત્તલ પરિવારે, સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા સાથે મળીને રાજસ્થાન રોયલ્સ (RR) ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે કરાર કર્યા છે.
સૌથી મોટી ડીલ
આ મેગા ડીલની કુલ કિંમત આશરે ₹15,660 કરોડ ($1.65 બિલિયન) હોવાનું જણાવાયું છે. આ સોદામાં માત્ર ભારતની આઈપીએલ ટીમ જ નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકાની 'પાર્લ રોયલ્સ' અને કેરેબિયન પ્રીમિયર લીગની 'બાર્બાડોસ રોયલ્સ' નો પણ સમાવેશ થાય છે.
હવે કોનો કેટલો હિસ્સો?
આ સોદો પૂર્ણ થયા બાદ ફ્રેન્ચાઈઝીમાં મિત્તલ પરિવાર પાસે આશરે 75% હિસ્સો રહેશે, જ્યારે અદાર પૂનાવાલા 18% ભાગીદારી ધરાવશે. બાકીના 7% હિસ્સામાં મનોજ બડાલે સહિતના જૂના રોકાણકારો યથાવત રહેશે, જેઓ ટીમ સાથે મહત્વની ભૂમિકામાં જોડાયેલા રહેશે. લક્ષ્મી નિવાસ મિત્તલે આ તકે જણાવ્યું હતું કે રાજસ્થાન સાથે તેમનો ભાવનાત્મક નાતો છે અને ક્રિકેટ તેમના હૃદયની નજીક હોવાથી તેઓ આ ટીમ સાથે જોડાવા માટે ઉત્સાહિત છે. અદાર પૂનાવાલાએ પણ આ રોકાણને રાજસ્થાન રોયલ્સની મજબૂત વિરાસતને આગળ વધારવાની તક ગણાવી છે.
ડીલને કોની મંજૂરી મળવાની બાકી?
જોકે, આ ભવ્ય સોદાને હજુ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI), આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) જેવી સંસ્થાઓની સત્તાવાર મંજૂરી મળવાની બાકી છે. આ તમામ નિયમનકારી પ્રક્રિયાઓ વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ ડીલ બાદ લક્ષ્મી નિવાસ મિત્તલ, આદિત્ય મિત્તલ, વનિષા મિત્તલ ભાટિયા, અદાર પૂનાવાલા અને મનોજ બડાલે રાજસ્થાન રોયલ્સના નવા બોર્ડમાં સભ્યો તરીકે સામેલ થશે.
અગાઉ કોણે ખરીદી હતી?
નોંધનીય છે કે, આ પહેલા માર્ચના અંતિમ સપ્તાહમાં પણ રાજસ્થાનની ટીમને ખરીદવામાં આવી હતી. અગાઉ સોમાનીના નેતૃત્વ હેઠળના અમેરિકન કન્સોર્ટિયમે 1.63 બિલિયન અમેરિકન ડૉલર (આશરે 15290 કરોડ રૂપિયા) ની ઓફર કરી હતી પણ સૂત્રો મુજબ અનેક મુદ્દાઓને કારણે યોગ્ય તપાસ પ્રક્રિયામાં ખરું ન સાબિત થતાં ડીલ ફાઇનલ થઈ નહોતી.


