Get The App

96 રન ફટકારવા છતાં ટીમને ફાઇનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
96 રન ફટકારવા છતાં ટીમને ફાઇનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી 1 - image

RR vs GT: કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ટીમ રાજસ્થાન રોયલ્સ(RR)ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સફરનો આખરે અંત આવ્યો છે. શુક્રવારે (29 મે) મુલ્લાંપુરમાં રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રાજસ્થાન રોયલ્સનો 7 વિકેટે પરાજય થયો હતો, અને આ સાથે જ તેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં 31 મેના રોજ તેમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે.

ડગઆઉટમાં એકલો બેસીને રડતો રહ્યો વૈભવ

રાજસ્થાન રોયલ્સની હાર બાદ સૌથી ભાવુક દૃશ્યો ડગઆઉટમાંથી સામે આવ્યા હતા. માત્ર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટીમની હારથી અત્યંત નિરાશ થઈને એકલો બેઠેલો જોવા મળ્યો હતો. તેની આંખોમાં આંસુ સાફ દેખાતા હતા. જ્યારે ટીમનો એક સપોર્ટ સ્ટાફ મેમ્બર તેને સાંત્વના આપીને તેનો ઉત્સાહ વધારતો નજરે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ભાવુક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ આ યુવા ખેલાડીનું દુઃખ અનુભવી રહ્યા છે.

સદી ચૂક્યો પણ તોફાની ઇનિંગ્સથી ફેન્સના દિલ જીત્યા

ભલે રાજસ્થાન મેચ હારી ગયું, પરંતુ વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય જ નહીં, પણ વર્તમાન પણ છે. આટલી મોટી મેચના દબાણમાં પણ તેણે બેખોફ અંદાજમાં બેટિંગ કરી અને ગુજરાત ટાઇટન્સના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. આ યુવા બેટ્સમેન માત્ર 4 રન માટે પોતાની સદી ચૂક્યો હતો, પરંતુ તેની આ વિસ્ફોટક ઇનિંગ્સે સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકોને રોમાંચિત કરી દીધા હતા.

આ પણ વાંચો : શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

સીઝનમાં 776 રન અને 237થી વધુનો સ્ટ્રાઇક રેટ!

સમગ્ર આઇપીએલ 2026 સીઝનમાં વૈભવ સૂર્યવંશીનું બેટ સતત રન મશીન સ્વરૂપે જ આવતું હતું. દુનિયાભરના દિગ્ગજ ટી20 સ્ટાર્સથી ભરેલી આ ટૂર્નામેન્ટમાં 15 વર્ષના આ બાળકે જે આત્મવિશ્વાસ અને આક્રમકતા બતાવી તેનાથી ક્રિકેટ જગત આશ્ચર્યચકિત છે. વૈભવે આ સીઝનમાં 48.76ની શાનદાર એવરેજથી 776 રન ફટકાર્યા છે. માત્ર રન જ નહીં, પણ તેનો રમવાનો અંદાજ અકલ્પનીય રહ્યો છે. તેણે આખી સીઝનમાં 237.30ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે, જે ટી20 ક્રિકેટમાં કોઈ સપના સમાન આંકડો છે.

ક્રિસ ગેલનો રૅકોર્ડ તોડ્યો, એક સીઝનમાં સૌથી વધુ 72 સિક્સર!

સૌથી મોટી અને ઐતિહાસિક વાત એ છે કે વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં રૅકોર્ડબ્રેક 72 સિક્સર ફટકારી છે, જે આઇપીએલના ઇતિહાસમાં કોઈ એક સીઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે. આ મામલામાં તેણે યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો રૅકોર્ડ પણ ધ્વસ્ત કરી દીધો છે. આ સીઝનમાં અભિષેક 43 સિક્સર સાથે બીજા અને રજત પાટીદાર 41 સિક્સર સાથે ત્રીજા સ્થાને છે.

આ યાદગાર સીઝનમાં વૈભવે એક સદી ફટકારી છે અને ત્રણ વખત 'નર્વસ નાઇન્ટીઝ'(90થી 99 રનની વચ્ચે)નો શિકાર બન્યો છે. ભલે રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં ન પહોંચી શકી, પરંતુ આ યુવા સનસનાટીએ આખી દુનિયાને બતાવી દીધું છે કે ભારતીય ક્રિકેટને આવનારા સમય માટે એક નવો સુપરસ્ટાર મળી ગયો છે.