Get The App

પંજાબ કિંગ્સ જીતના રથ પર સવાર, LSGને 54 રને હરાવ્યું, 11 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
પંજાબ કિંગ્સ જીતના રથ પર સવાર, LSGને 54 રને હરાવ્યું, 11 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર 1 - image

Pbks vs Lsg: IPL 2026ની 29મી મેચમાં પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટક્કર થઈ હતી. જેમાં લખનઉના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 7 વિકેટ ગુમાવીને 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પંજાબ તરફથી કૂપર કોનોલી અને પ્રિયાંશ આર્યાએ ધમાકેદાર ઇનિંગ રમી હતી. કૂપરે 87 રન બનાવ્યા હતા, જ્યારે પ્રિયાંશએ 93 રન બનાવ્યા હતા. પહાડ જેવા સ્કોરનો પીછો કરવા ઉતરેલી LSG 20 ઓવરમાં માત્ર 200 રન જ બનાવી શકી હતી. જેથી PBKSએ 54 રનથી આસાનીથી મહાજીત મેળવી લીધી હતી. 

સ્કોર કાર્ડ

PBKS: 254-7(20)

LSG: 200-5(20)

11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર PBKS

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબની ટીમ વિજય રથ પર સવાર છે. PBKS હજુ સુધી એક પણ મેચ હારી નથી. છ મેચમાં 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પંજાબની એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. બીજી તરફ, LSG 6 મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ ધરાવે છે અને ટેબલમાં આઠમા સ્થાને છે. પંત બ્રિગેડે હારની હેટ્રિક લગાવી છે. આ પહેલા લખનઉને RCB અને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

પોઈન્ટ ટેબલ પર કરો નજર

પંજાબ કિંગ્સ જીતના રથ પર સવાર, LSGને 54 રને હરાવ્યું, 11 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર 2 - image

6, 6, 6, 1, 6, 6..

પંજાબના બેટર કૂપર કોનલી અને પ્રિયાંશ આર્યાએ લગભગ દરેક ઓવરમાં મોટા શોટ ફટકાર્યા અને તમામ બોલરોની જોરદાર ધુલાઈ કરી. આ કારણે પંતે એડન માર્કરમ પાસે બોલિંગ કરાવી. પરંતુ કૂપર કોનલીએ ઇનિંગની 13મી ઓવરમાં એડન માર્કરમ સામે શરૂઆતના ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી, જેના પછી એવું લાગતું હતું કે કદાચ આ ઓવરમાં 6 સિક્સર પણ લાગી જશે. જો કે ચોથા બોલ પર માત્ર એક રન બન્યો હતો. પરંતુ પાંચમા અને છઠ્ઠા બોલ પર પ્રિયાંશ આર્યાએ સિક્સર ફટકારીને આ ઓવરમાં કુલ 32 રન મેળવ્યા હતા. એક બોલ વાઈડ પણ હતો. આ સાથે જ માર્કરમની આ ઓવર લખનઉના બોલર દ્વારા IPLમાં ફેંકવામાં આવેલી સૌથી મોંઘી ઓવર બની ગઈ છે. આ પહેલા 2022માં કોલકાતામાં એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રવિ બિશ્નોઈએ 27 રન આપ્યા હતા.

બીજી વિકેટ માટે 182 રનની ભાગીદારી

 પ્રિયાંશ આર્યાએ લખનઉ સામે બીજી વિકેટ માટે કૂપર કોનોલી સાથે મળીને માત્ર 80 બોલમાં 182 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી. કૂપર કોનોલીએ પણ શાનદાર પ્રદર્શન કરતા 46 બોલમાં 87 રન ફટકાર્યા હતા, જેમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ હતા. કોનોલીનો સ્ટ્રાઈક રેટ 189.13 રહ્યો હતો.

આ પણ વાંચો: IPL 2026માં KKRની પહેલી જીત, RRને 4 વિકેટે હરાવ્યું, રિન્કુ સિંહે ફટકારી ફિફ્ટી

પ્રિયાંશે વૈભવની બરાબરી કરી ઇશાન, યશસ્વી, રાહુલ, રજતનો રેકોર્ડ તોડ્યો

પ્રિયાંશ આર્યાએ આ મેચમાં 19 બોલમાં અડધી સદી ફટકારી હતી અને તે IPLમાં 20થી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં વૈભવ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે આવી ગયો છે. પ્રિયાંશે આ લીગમાં ત્રીજી વખત 20થી ઓછા બોલમાં અડધી સદી ફટકારવાનું પરાક્રમ કર્યું છે, જ્યારે વૈભવ પણ ત્રણ વખત આવું કરી ચૂક્યો છે. આ સાથે જ પ્રિયાંશે રજત પાટીદાર, યશસ્વી જયસ્વાલ, ઇશાન કિશન અને કેએલ રાહુલને એકસાથે પાછળ છોડી દીધા છે. આ ચારેય બેટ્સમેનોએ IPLમાં 2-2 વખત 20થી ઓછા બોલમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

અભિષેક શર્મા: 6 વખત

પ્રિયાંશ આર્યા: 3 વખત

વૈભવ સૂર્યવંશી: 3 વખત

રજત પાટીદાર: 2 વખત

યશસ્વી જયસ્વાલ: 2 વખત

ઇશાન કિશન: 2 વખત

કેએલ રાહુલ: 2 વખત