‘IPL 2026માં જ નિવૃત્તિ જાહેર કરી શકે છે ધોની, આ ખેલાડીને કેપ્ટન બનાવવાની તૈયારી’, મોહમ્મદ કૈફનો દાવો

MS Dhoni Likely To Retire In IPL-2026 : આઈપીએલ-2026 માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે યોજાવાની સંભાવના છે, ત્યારે ઓક્શન પહેલાં પાંચ વખતના ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક મોટી ટ્રેડ ડીલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રિપોર્ટ મુજબ, રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન ટ્રેડ દ્વારા ચેન્નાઈમાં જોડાઈ શકે છે. તેના બદલામાં ચેન્નાઈના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાનમાં જઈ શકે છે.
સેમસન ધોનીની વિકેટકીપરની ભૂમિકા સંભાળશે
રિપોર્ટ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સ સંજુ સેમસનને આગામી કેપ્ટન તરીકે જોઈ રહી છે, જે આ સંભવિત ડીલ પાછળનું મુખ્ય કારણ મનાય છે. જો ટ્રેડ સફળ થશે તો મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટકીપરની ભૂમિકા પણ સંજુ સેમસન સંભાળશે. પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે તેમના યુટ્યુબ ચેનલ પર આ મામલે મોટો દાવો કર્યો છે. કૈફનું માનવું છે કે, CSK માત્ર વિકેટકીપર તરીકે નહીં, પરંતુ ભાવિ કેપ્ટન તરીકે સંજુ સેમસનને લાવી રહી છે. તેમણે કહ્યું કે, જો રવીન્દ્ર જાડેજાને ટ્રેડ દ્વારા રાજસ્થાન રોયલ્સમાં મોકલવામાં આવે તો તે સ્પષ્ટ સંકેત છે કે CSK સંજુ સેમસનને કપ્તાની સોંપવાની તૈયારીમાં છે.
ધોની IPL-2026માં જ નિવૃત્તિ લઈ લે તેવી સંભાવના : કૈફ
પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફનું માનવું છે કે, ‘ચેન્નાઈની ટીમ સંજૂ સેમસનને માત્ર વિકેટકીપર તરીકે જ ટીમમાં સામેલ કરી નહીં, પરંતુ ટીમ સેમસનને ભવિષ્યના કેપ્ટન તરીકે જોઈ રહી છે. રવિન્દ્ર જાડેજાને રાજસ્થાનની ટીમમાં મોકલવાની તૈયારીઓ પરથી લાગી રહ્યું છે કે, સીએસકે સેમસનને કેપ્ટનશીપ આપવાની તૈયારીમાં છે.’ કૈફએ એવું પણ કહ્યું કે, ધોની આઈપીએલ-2026માં જ નિવૃત્તિ લઈ શકે છે, જ્યારે સંજૂને તાત્કાલીક કમાન સોંપવામાં આવી શકે. એટલે કે ઋતુરાજ ગાયકવાડ પાસેથી કેપ્ટનશીપ પદ છિનવાઈ શકે છે.
ધોની CSKની જવાબદારી સેમસનને સોંપશે
કૈફે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘ધોની અને જાડેજા 2008થી આઈપીએલ રમી રહ્યા છે. જો ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચેની ટ્રેડ ડીલ સફળ થશે તો ધોની 2026ની છેલ્લી સિઝન રમી શકે છે. ધોની અધવચ્ચે જ ટીમને છોડે તેવી પણ સંભાવના છે. આવી સ્થિતિમાં ધોની સંજૂને ટીમની કમાન સોંપી શકે છે. ટીમને ભવિષ્ય માટે એક કેપ્ટનની જરૂર છે.’

